હાલ સુરેન્દ્રનગર તરીકે ઓળખાતુ શહેરને અંગ્રેજોના સમયમાં કેમ્પ સ્ટેશન તરીકે ઓળખાતુ હતુ. જે અપભ્રંશ થઈને કાંપ થઈ ગયુ હતુ. વઢવાણના રાજવી સુરેન્દ્રસીંહજીના નામ પરથી શહેરનું નામ સુરેન્દ્રનગર પડયુ હતુ. ત્યારે આજે તા. 1લી ઓગસ્ટ, 2026ને શનિવારના રોજ શહેરનો 80મો સ્થાપના દિન છે.
સુરેન્દ્રનગર એક એવુ શહેર છે કે, જેનો લાંબો ઈતિહાસ નથી, લાંબી પરંપરાઓ નથી. શહેરમાં કોઈ ઐતિહાસીક સ્થાપત્યો નથી. સુરેન્દ્રનગર શહેરમાં વસતા પરિવારોનું મુળ વતન અલગ-અલગ છે. અહીં પંચરંગી પ્રજા વસે છે. અંગ્રેજ શાસન દરમીયાન બ્રીટીશ સરકારનું થાણુ સ્થાપવા માટે વઢવાણ ઠાકોર સાહેબ રાયસીંહજી પાસેથી પુર્વ-પૃીમ 1760 વાર અને ઉત્તર દક્ષીણ 1 હજાર વાર જમીન રૂપીયા 2250ના ભાડાથી લીધી હતી. જયારે દુધરેજના ક્ષત્રીયો પાસેથી 25 એકર જમીન રૂપીયા 250ના ભાડેથી લીધી હતી. આ સ્થળેથી વીરમગામ, ધ્રાંગધ્રા, રાજકોટ અને ભાવનગર સુધી ચાર રેલવે લાઈન પસાર થતી હતી. જેના પર સ્ટીમ એન્જીન દોડતા હતા. તે સમયે કેમ્પ સ્ટેશન અંગ્રેજોની માલગાડીઓથી ધમધમતુ હતુ. અને ધીમે ધીમે કેમ્પ સ્ટેશનમાં આસપાસથી લોકો ધંધા રોજગાર માટે આવતા ગયા અને વસવાટ કરતા હતા. સુરેન્દ્રનગરમાં વસવાટને પ્રોત્સાહન આપવા માટે 1 પૈસાની 1 વાર જમીન જેટલી જોઈએ તેટલી એજન્સી તરફથી આપવામાં આવતી હતી. બાદમાં સુરેન્દ્રનગરની સ્થાપના વઢવાણના રાજવી સુરેન્દ્રસીંહજીના નામ પરથી તા. 1લી ઓગસ્ટ 1946ના રોજ કરવામાં આવી હતી. અને બાદમાં વઢવાણ સ્ટેટનું આઝાદ ભારતમાં વિલીનીકરણ થયુ હતુ. આ સમયે કેમ્પ સ્ટેશન અપભ્રંશ થઈને કાંપ તરીકે ઓળખાતુ હતુ. તે હાલના સુરેન્દ્રનગરનો આજે તા. 1લી ઓગસ્ટે 80મો જન્મ દિવસ છે.
