સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા. 31મી જુલાઈ અને તા. 1લી ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થયા હતા. જિલ્લાના દસેય તાલુકાઓમાં 4 ઈંચથી લઈને 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ત્યારે આ વરસાદને લીધે હાલ જિલ્લામાં સીઝનનો વરસાદ 80 ટકાને પાર થઈ ગયો છે. જયારે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં 3 ડેમનો તો હાલ પણ ઓવરફલો થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે મેઘસવારી નીયત સમય કરતા મોડી પડી હતી. ચોમાસાની શરૂઆતના દિવસોમાં વરસાદ ન પડતા ખાસ કરીને ખેડુતો ચિંતાતુર બન્યા હતા. બાદમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. જેમાં વર્તમાન ચોમાસામાં મેઘરાજાએ 2 ઈંનીંગમાં જ જિલ્લાને પાણી પાણી કરી નાંખ્યો છે. ગત 31 જુલાઈ અને 1 ઓગસ્ટના થયેલ ભારે વરસાદ બાદ હાલ જિલ્લાનો વરસાદ 80 ટકાને પાર થઈ ગયો છે. આ ર દિવસો પહેલા જિલ્લાનો સરેરાશ વરસાદ 54 ટકા હતો. પરંતુ સતત વરસાદને લીધે તા. 4 ઓગસ્ટ સુધીમાં જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘરાજાએ વહાલ વરસાવી દીધુ છે. જિલ્લાના લીંબડી તાલુકામાં 68.05 ટકા સૌથી ઓછો તો લખતર તાલુકામાં 97.73 ટકા સૌથી વધુ વરસાદ પડયો છે. 2 દિવસના ભારે વરસાદને લીધે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં હાલ જિલ્લાના 10 જળાશયોમાંથી 3 જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે. જયારે ફલકુ ડેમની સપાટી સુધીના પાણી છે. આ ઉપરાંત સાયલાના થોરીયાળી ડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે. જિલ્લામાં સતત વરસાદને લીધે ખાસ કરીને નળકાંઠાના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદનું જોર ઘટયાને 3 દિવસ ઉપરાંતનો સમય થવા છતાં નળકાંઠાના અમુક ગામોમાં હાલ ચોતરફ વરસાદી પાણી જોવા મળે છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં પણ 24 કલાકમાં 9 ઈંચ વરસાદ વરસતા શહેરના રસ્તાઓ અને અમુક સોસાયટી જળમગ્ન બન્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના વોર્ડ નં. પમાં આવેલ માનવમંદિર રોડ પર આવેલ ચામુંડાપરામાં વરસાદી પાણીનો નીકાલ હજુ સુધી ન થતા 100થી વધુ પરિવારો હલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારના લોકો દર ચોમાસામાં હેરાનગતી ભોગવી રહ્યા છે. ત્યારે મનપા તંત્ર આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન રહે તે માટે નક્કર કામગીરીની માંગ કરી રહ્યા છે.
