સુરેન્દ્રનગર જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારો અનુલક્ષીને શહેરમાં ખરીદી ખુલી છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં લોકો ધાણી, દાળીયા, ખજુર અને પીચકારીની મોટાપાયે ખરીદી કરતા જોવા મળ્યા હતા. વેપારીઓના જણાવાયા મુજબ આ વર્ષે ધાણી, દાળીયા અને પીચકારીના ભાવ ગત વર્ષ જેવા જ છે. જયારે ખજુરના ભાવમાં નજીવો વધારો જોવા મળે છે.
ઝાલાવાડમાં રંગોનો તહેવાર હોળી-ધૂળેટી ઉત્સાહપુર્વક ઉજવાય છે. તહેવારોને લઈને સુરેન્દ્રનગરની બજારોમાં પીચકારી, ધાણી, દાળીયા, ખજુર મોટાપાયે વેચાવા લાગી છે. સુરેન્દ્રનગરના ટાંકી ચોક, જવાહર ચોક, પતરાવાળી ચોક સહીતના વિસ્તારોમાં વેપારીઓએ પોતાની દુકાને અને રસ્તા પર લારીવાળાઓ ખજુર, ધાણી, પીચકારી વેચતા નજરે પડી રહ્યા છે. જેમાં રવીવારે રજાનો દિવસ હોવા છતાં બપોર સુધી બજારમાં લોકોની ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. વેપારીઓના જણાવાયા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધાણી, દાળીયા અને પીચકારીના ભાવ જેમના તેમ છે. ગત વર્ષની જેમ ધાણી રૂપીયા 200ના કિલોના ભાવે વેચાય છે. જયારે ખજુરના ભાવમાં નજીવો વધારો નોંધાયો છે.ખજુરના ભાવ ગત વર્ષે 100થી 120 રૂપીયે કિલો હતા જે આ વર્ષે વધીને 130થી 140 રૂપીયા પ્રતી કિલો થયા છે. જોકે, ખજુરમાં ઠળીયાવાળી અને ઠળીયા વગરની ખજુરના ભાવમાં ફેર છે. ઠળીયા વગરની ખજુર ઠળીયાવાળી ખજુર કરતા થોડી મોંઘી વેચાઈ રહી છે. પરંતુ ઝાલાવાડના લોકો ભાવ સામે નહી જોઈ તહેવાર મનાવવા ખજુર, ધાણી સહીતનાઓની ખરીદી કરી રહ્યા છે. જયારે બાળકોને પ્રીય એવી પીચકારીઓ પણ માર્કેટમાં આવી ગઈ છે. રંગબેરંગી પીચકારીઓ બજારમાં જોઈને બાળકો અત્યારથી પીચકારીની ખરીદી કરવા લાગ્યા છે. જેમાં સામાન્ય 20-30 રૂપીયાથી લઈને 150-200 રૂપીયા સુધીની પીચકારી બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત રંગોના તહેવાર ધુળેટી માટેના વીવીધ રંગો પણ બજારમાં વેચાવા લાગ્યા છે.










