સુરેન્દ્રનગરના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે રાજય સરકાર દ્વારા આજે મંગળવારે વહેલી સવારે ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજયભરમાંથી 371 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ચોટીલામાં યોજાતી આ સ્પર્ધાના છઠ્ઠા સંસ્કરણમાં નવા કિર્તીમાન સ્થપાયા હતા. ચોટીલાના 550 પગથીયા સર કરનાર ભાઈઓ અને બહેનોમાં પ્રથમ 10 ક્રમે આવનાર સ્પર્ધકોને આગામી સમયમાં જુનાગઢ આરોહણ-અવરોહણમાં ડાયરેકટ એન્ટ્રી મળશે.
સરકાર દ્વારા અગાઉ માત્ર જુનાગઢ ખાતે જ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાતી હતી. ત્યારબાદ વર્ષ 2019માં ઝાલાવાડના ચોટીલા ઉપરાંત પંચમહાલના પાવાગઢ, સાબરકાંઠાના ઈડર, રાજકોટના ઓસમ અને ચોટીલા ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરાઈ હતી. સ્પર્ધામાં સમગ્ર રાજયના 253 ભાઈઓ અને 118 બહેનો મળી કુલ 371 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાઈઓમાં સાયલા તાલુકાના સાપર ગામના વતની અને ઉત્તર બુનિયાદી શાળાના છાત્ર પંચાળા સાહીલ 7.04 મિનિટ સાથે પ્રથમ નંબરે અને બહેનોમાં સણોસરાની વિદ્યાર્થીની અસ્મિતા કટેશીયાએ પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. અને 8.23 મિનિટ સાથે પ્રથમ નંબરે રહ્યા હતા. ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાના પગલે સવારે 6 થી 10 સુધી દર્શનાર્થીઓને પ્રવેશ નિષેધ કરાયો હતો. સચોટ પરિણામ માટે સીસીટીવી કેમેરા, રેડીયો ફ્રીકવન્સી ચીપનો ઉપયોગ કરાયો હતો. ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા દરમીયાન 3 સ્પર્ધકોને સારવારની જરૂર પડી હતી. જેમાં 2 ભાઈઓને ડુંગર ચડતા સમયે પડી જવાથી પગમાં ઈજા પહોંચી હતી. જયારે એક દીકરીને ડુંગર ચડતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.










