ઝાલાવાડમાં હાલના સમયમાં પતિ-પત્ની વચ્ચે વિખવાદના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં વર્ષ 2025માં 164 કેસ આવ્યા હતા. આ આવેલ કેસોમાંથી 52 દંપતીઓના સમાધાન કરાવાયા છે.


હાલના આધુનીક સમયમાં પતિ-પત્ની વચ્ચેના સબંધોમાં ગમે ત્યારે ખટાશ આવી જાય છે. કોઈકવાર મામલો પોલીસ મથકે તો કોર્ટના દ્વારે પણ પહોંચે છે. ત્યારે પોલીસ કે કોર્ટ સુધી મામલો પહોંચે તે પહેલા જ બન્ને વચ્ચે સમાધાન થાય તે હેતુથી જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની સ્થાપના વર્ષ 2014થી કરાઈ છે. હાલ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકમાં આ કચેરી બેસે છે. વર્ષ 2014થી શરૂ થયેલ આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 350થી વધુ પતિ-પત્ની વચ્ચેના વીખવાદના કેસમાં સમાધાન કરાવાયુ હોવાનું જાણવા મળે છે. જેમાં 52 કેસો તો ગત વર્ષ 2025ના જ છે. આ અંગે માહીતી આપતા કાઉન્સીલર સંગીતાબેન વાઘેલા અને ઈલાબેન પરમારે જણાવ્યુ કે, વર્ષ 2025માં સેન્ટરને કુલ 164 કેસો મળ્યા છે. જેમાં 52 કેસોમાં દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવાયુ છે. જયારે 62 કેસો મફત કાનુની સલાહ માટે જિલ્લા કાનુની સત્તા મંડળ તરફ રવાના કરાયા હતા. જયારે 13 કેસોમાં પોલીસ કાર્યવાહી કરવા આગળ મોકલાયા હતા. આવા કેસો અમારી પાસે આવતા અરજદાર મહિલા પતિ તથા સાસરીયાઓને બોલાવી, ગ્રુપ મીટીંગ કરી તેઓને કાયદાની સમજ આપીને બન્ને વચ્ચે સમાધાન કરાવાય છે. આ સમાધાન બાદ લેવાયેલ ફોલોઅપમાં પણ બન્નેનું જીવન સુખમય રીતે પસાર થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: