રતનપરમાં રહેતા પોલીસ કર્મીના મકાનમાં ડબ્બા ટ્રેડીંગની બાતમીને આધારે રેન્જની ટીમે ગત મંગળવારે સાંજે રેડ કરી હતી. જેમાં પોલીસ કર્મીના પિતા સહિત 6 આરોપીઓને 3 લાખથી વધુની મત્તા સાથે ઝડપાયા હતા. દરોડા બાદ રેન્જ આઈજીએ ASI સંજય રાઠોડને સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ આ કેસની તપાસ કરી રહેલી જેતપુર પોલીસે ફરાર એએસઆઈને ઝડપી લેવા શહેરમાં ત્રણ જુદાં જુદાં સ્થળે દરોડા કર્યા હતા.

રાજકોટ રેન્જ આઈજી નીર્લીપ્ત રાયની સુચનાથી ટીમે ગત મંગળવારે સાંજે સુરેન્દ્રનગરના રતનપરની રામેશ્વર ટાઉનશીપમાં રહેતા ધજાળા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સંજય નાથુભાઈ રાઠોડના રહેણાક મકાને ડબ્બા ટ્રેડીંગની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલ કરશનભાઈ સીંધવ, અરૂણ મહેન્દ્રભાઈ કોઠારી, દલસુખ કરશનભાઈ સીંધવ, વિજય ગોવિંદભાઈ દેત્રોજા અને પોલીસ કર્મી સંજયના પિતા નાથુભા કાનાભા રાઠોડ ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, રૂપીયા 13,900 રોકડા, ચાર્જર, વાઈફાઈ, પેનડ્રાઈવ અને સોદા લખેલ 13 નોટબુક સહિત રૂપીયા 3,07,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બનાવની ઝડપાયેલા 6 આરોપીઓ ઉપરાંત પોલીસ કર્મી સંજય રાઠોડ અને 16 બ્રોકર સહિત 23 સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ જેતપુર પીઆઈ એ.ડી.પરમારને સોંપાઈ છે. બીજી તરફ સમગ્ર બનાવ સામે આવતા આઈજી નીર્લીપ્ત રાયે એએસઆઈ સંજય રાઠોડને સસ્પેન્ડ કરી દીધો છે. જયારે બુધવારે મોડી રાત્રે સંજયના પિતા સહિત 6 આરોપીઓ જામીન પર મુકત થયા છે. જયારે ફરાર સંજય રાઠોડને ઝડપી લેવા જેતપુર પોલીસે શહેરમાં 3 સ્થળે દરોડા કર્યા હતા. પરંતુ સસ્પેન્ડ પોલીસ કર્મી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરે છે.