મૂળી તાલુકાના ધોળીયા ગામની સીમમાં ગત જુલાઈ-2025માં નાયબ કલેકટરની ટીમે ખનીજ ખનન અંગે રેડ કરી હતી. જેમાં સરકારી જમીનમાં 7 કુવા ગાળી તેમાંથી ખનીજ ચોરી સામે આવી હતી. ત્યારે આ બનાવમાં 4 શખ્સો સામે સરકારી જમીન પર કબજો જમાવી નફો રળવાની પ્રવૃતી બદલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ મૂળી પોલીસ મથકે નોંધાઈ છે.
ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મૂળી મામલતદાર સહિતની ટીમે તા. 30-7-25ના રોજ મૂળી તાલુકાના ધોળીયા ગામે ગેરકાયદેસર ખનીજ ખનનની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 7 કુવાઓમાંથી લાઈવ ખનન ચાલુ હતુ. જેમાં કામ કરતા 38 મજુરોને રેસ્કયુ કરાયા હતા. જયારે 4 ટ્રેકટર, કમ્પ્રેશર, ચરખી સહિત રૂ. 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન આ કુવા સરકારી જમીન પર આવેલ હોવાનું તથા તેમાં પલાસાના ભરત રઘુભાઈ સારલા, સુનીલ હનાભાઈ ફીસડીયા અને ધોળીયાનો અમકુ ભુપતભાઈ થરેસા ગેરકાયદેસર ખનન કરાવતા હતા. જયારે વીવીધ સાધનો વડે ખનન કરતા કોન્ટ્રાકટર ખાખરાળાના રઘુ છનાભાઈ નંદીસાળીયાને પુછતા તેને પ્રતિ એક ટનના રૂ. 1 હજાર મળતા હતા. આથી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરી નફો મેળવવાના કૃત્ય બદલ ચારેય સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી થઈ હતી. આ અંગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગત તા. 21-11-25ના રોજ મળેલ બેઠકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થયો હતો. આથી ગત તા. 03-02-2026ના રોજ સાંજે મૂળી મામલતદાર પારૂલબેન મીનેશકુમાર શાહે મૂળી પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધી છે. બનાવની વધુ તપાસ પીઆઈ કે. બી. વિહોલ ચલાવી રહ્યા છે.










