સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજેલા બહુચર્ચિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલ નાયબ મામલતદારના ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસનીશ સંસ્થાઓ સામે નાયબ મામલતદારે અનેક મોટા ખુલાસા કર્યા છે, જેને પગલે હવે કલેક્ટર કચેરીના અન્ય સ્ટાફ અને વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કૌભાંડમાં નાયબ મામલતદારે પોતાની પાસે રહેલા જમીન બિનખેતી (NA) કરવાના પાવરનો સરેઆમ દુરુપયોગ કરી, વચેટિયાઓ અને એજન્ટો મારફતે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા
તપાસ દરમિયાન નાયબ મામલતદારના મોબાઈલ ફોનમાંથી અત્યંત મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. જેમાં વિવિધ નાણાકીય વ્યવહારો, ક્યાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની વિગતો અને લાંચના પૈસાના હિસાબોનો સમાવેશ થાય છે. આ વિગતોના આધારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે અને ટૂંક સમયમાં જ કલેક્ટર કચેરીના અન્ય શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રિમાન્ડ દરમિયાન ખુલેલા નામોને આધારે તપાસનો વ્યાપ આગામી દિવસોમાં વધી શકે છે.
