સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મુંજપર ગામે આવેલ વાડામાં દારૂ હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે રેડ કરી હતી. જેમાં ઘાસચારા નીચે છુપાવેલ દેશી-વિદેશી દારૂ, બીયર સહિત રૂપીયા 69,250ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને ચોટીલા ગ્રામ્યમાં પણ દારૂના દરોડામાં ર પકડાયા છે.
જોરાવરનગર પોલીસ મથકના જયરાજસિંહ ઝાલા સહિતનાઓને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમીયાન વઢવાણ તાલુકાના મુંજપર ગામે રહેતો રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર તેના રહેણાક મકાનથી આગળ આવેલ કાચા રસ્તા પર તેના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂ રાખી વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે વાડામાં ઘાસચારા નીચેથી દારૂના 75 ચપલા, બીયરના 145 ટીન, 20 લીટર દેશી દારૂ, બાઈક સહિત રૂપીયા 69,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી રામદેવસિંહ પરમારને ઝડપી લેવા વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.
