બગોદરા - લીંબડી હાઈવે પરથી દારૂ ભરેલ કન્ટેનર પસાર થનાર હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી શાખાના સ્ટાફની ટીમે વોચ રાખી હતી. જેમાં રાજસ્થાનના શખ્સને મહારાષ્ટ્રના નાસીકથી દારૂ લઈ રાજકોટ જતા ઝડપી લેવાયો છે. પોલીસે કુલ રૂપીયા 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમને લીંબડી હાઈવે પર રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બગોદરાથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર જતુ હોવાની બાતમી મળતા રાસ્કા-બોડીયા ગામના પુલ પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળુ કન્ટેનર આવતા તેમાં તપાસ કરાતા દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ચાલક રાજસ્થાનના ઝુંઝારામ રીડમલરામ ગોદારાની પુછપરછ કરતા તે નાસીક શાકભાજીનું વાહન લઈને જતો હતો. ત્યારે નાસીક શનીમંદિર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં નોકરી કરતા રમેશકુમારે કન્ટેનરમાં ડ્રાઈવીંગ કરવાની ઓફર કરી હતી. આથી બાદમાં રમેશકુમારનો સંપર્ક કરતા તેણે મુંદ્રા જઈ કન્ટેનર લઈ નાસીક આવવાનું કહ્યુ હતુ. આ કન્ટેનર લઈ ઝુંઝારામ નાસીક જતા રમેશકુમારે તેને લઈ જઈ તેમાં દારૂ ભરી આપ્યો હતો. અને રાજકોટ લઈ જવાનું કહ્યુ હતુ. જેમાં પગારના રૂ. 30 હજાર ઉપરાંત વધારાના પૈસા આપવાની વાત કરી હતી. અને રાજકોટ પહોંચે તે પહેલા ફોન કરી તે જણાવે તેને દારૂ આપવાનો હતો. જયારે કન્ટેનરમાં ખોટી નંબર પ્લેટ લગાવાઈ હોવાનું પણ સામે આવ્યુ હતુ. પોલીસે દારૂની નાની મોટી 31,452 બોટલ, ટ્રક, મોબાઈલ સહિત રૂપિયા 1,26,13,980નો મુદ્દામાલ જપ્ત કરી ઝુંઝારામ, દારૂ મોકલનાર રમેશકુમાર, દારૂ મંગાવનાર, કન્ટેનર ટ્રકનો માલીક, દારૂ મંગાવનાર સામે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ કે.ડી.જાદવ ચલાવી રહ્યા છે. જયારે ચોટીલાના નાની મોલડી ગામે ભુપત દાદભાઈ ખાચરના રહેણાક મકાનના ઢાળીયામાંથી પોલીસે રૂપીયા 12,218ની કિંમતની દારૂની 12 બોટલ કબજે કરી છે. આ અંગે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી કે.એમ.મકવાણા ચલાવી રહ્યા છે. બીજી તરફ નાની મોલડીના જ હરેશ દાદભાઈ ખાચરના ઘરે ફુલછોડના કયારામાંથી છુપાવેલ દારૂની 46 બોટલો કિંમત રૂપીયા 39,828ની જપ્ત કરાઈ છે. હાજર ન મળી આવનાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.
