એસએમસીની ટીમે દારૂની બાતમીને આધારે અમદાવાદ-વડોદરા એકસપ્રેકસ હાઈવે પર દારૂ ભરેલ ટ્રકનો પીછો કર્યો હતો. જેમાં બોટાદના બુટલેગર માટે મુળીના રામપરડાના શખ્સે મંગાવેલ દારૂની 12,843 બોટલો સહિત રૂપીયા 79,24,014નો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજી તરફ વઢવાણની રામ સોસાયટી, જોરાવરનગર શેરી નં. 10 અને અલંકાર સીનેમા રોડ પરથી પોલીસે દારૂ વેચતા 3ને ઝડપી પાડયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસ.એમ.જાડેજા સહિતનાઓને મુળી તાલુકાના રામપરડા ગામના ધીરૂ ભીખાભાઈ કરપડા મારફત મંગાવેલ વિદેશી દારૂ ભરેલ ટ્રક અન્ય રાજયમાંથી આવી 4 માસ અગાઉ બોટાદ જિલ્લામાં પકડાયેલ બોટાદ જિલ્લાના રેફડા ગામના શિવકુ કરપડાને સપ્લાય થતો હોવાની બાતમી મળતા અમદાવાદ-વડોદરા એકસપ્રેકસ હાઈવેના ગેટ નં. 1 પાસે વોચ રખાઈ હતી. જેમાં રામોલ ટોલનાકા તરફથી બાતમીવાળી ટ્રક આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ટ્રક વડોદરા એક્સપ્રેસ વે પર ભગાવી હતી. આથી પોલીસે પીછો કરતા ચાલક ટોલનાકા પાસે પાર્કીંગમાં ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની 12,843 બોટલો જપ્ત કરી હતી. જેમાં દારૂ, ટ્રક, તાલપત્રી સહિત રૂપીયા 79,24,014નો મુદ્દામાલ કબજે કરી દારૂ મંગાવનાર શીવકુ કરપડા, દારૂ મંગાવી આપનાર ધીરૂ કરપડા, ફરાર થનાર ટ્રકનો ડ્રાઈવર, માલીક અને દારૂ મોકલનાર સહિત તમામ સામે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. જયારે વઢવાણની રામ સોસાયટી પાછળ દારૂ વેચતો શિયાણીની પોળમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે શીવો દાનાભાઈ પરમાર દારૂના 24 ચપલા કિંમત રૂપીયા 3 હજાર સાથે પકડાયો છે. બીજી તરફ જોરાવરનગર પોલીસે રતનપર શેરી નં. 10ના રહેણાક મકાનમાં દારૂ વેચતા મનોજ ઉર્ફે મનજી વશરામભાઈ વાઘેલાને દારૂની ર બોટલ સાથે પકડી પાડયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસે અલંકાર સીનેમા રોડ પર અંડરબ્રીજ પાસે સ્કુટરની ડેકીમાં દારૂ વેચતા રતનપર ભીમરાવ ચોકમાં રહેતા જગમાલ જીવણભાઈ દુલેરાને દારૂના 13 ચપલા અને સ્કુટર સહિત રૂપીયા 21,300ની મત્તા સાથે પકડી પાડયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો