સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 04 સપ્ટેમ્બરને શુક્રવારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા પરંપરાગત રીતે શહેરમાં 42મી શોભાયાત્રા યોજાશે. જયારે દુધરેજ વડવાળા ધામ ખાતે સંતવાણી, રાસ ગરબા, કૃષ્ણ જન્મોત્સવના વધામણા સહીતના કાર્યક્રમો યોજાનાર છે.

વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા જન્માષ્ટમી પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. વિશ્વ હિન્દુ પરીષદની સ્થાપના જન્માષ્ટમીના દિવસે વર્ષ 1964માં થઈ હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં સ્થાપના દિનના મંગલ પ્રભાતે પરંપરાગત રીતે 42મી જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. જેમાં સામાજીક સમરસતાના ભાગ રૂપે તા. 4ના રોજ સવારે 7 કલાકે જોરાવરનગર રેલવે સ્ટેશન પાસેથી વોર્ડ નં. 9ના કોર્પોરેટર દિવ્યાબેન મીયાવડાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા જોરાવરનગર રેલવે સ્ટેશનથી રામજી મંદિર ચોક, માતોશ્રી કોમ્પલેક્ષ થઈ ભોગાવા નદીના પુલ પરથી કુંભારપરા ગાય સર્કલ, ડો. આંબેડકર ચોક, હેન્ડલુમ ચોક થઈને 10-15 કલાકે દ્વારકાધીશજીની હવેલી પહોંચશે. જયાં જગદ્દગુરૂ કનીરામબાપુ, માધવેન્દ્રપ્રસાદજી, રામાશ્રાયબાપુ, લાભુગીરીબાપુ સહિતના સાધુ-સંતો જોડાશે. અને આ યાત્રા આગળ ધપી ટાવર ચોક, જેલ ચોક થઈને હવેલીએ પરત ફરશે. શોભાયાત્રા બાદ દ્વારકાધીશજીની હવેલી ખાતે ફરાળનો મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રાના સમગ્ર આયોજનને સફળ બનાવવા શોભાયાત્રાના અધ્યક્ષ ધનજીભાઈ પટેલ, ઉપાધ્યક્ષ નીરવસિંહ પરમાર, વીએચપીના જિલ્લા અધ્યક્ષ અને શોભાયાત્રાના પ્રભારી રમેશભાઈ ભુતડા, પ્રવિણસિંહ ઝાલા, પ્રકાશભાઈ પ્રજાપતી સહીતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર શોભાયાત્રા દરમીયાન સામાજીક સમરસતાના ભાવ સાથે શોભાયાત્રાના રૂટ પર મળનાર પ્રથમ 100 સફાઈ કામદારોને બાળ કાનુડાની મૂર્તી પ્રસાદી રૂપે આપવામાં આવનાર છે.