રતનપરના નવા સરકીટ હાઉસ સામે સુધારા પ્લોટમાં મોબાઈલ કંપનીનો ટાવર આવેલો છે. આ મોબાઈલ ટાવર પર તા. 16ના રોજ મોડી સાંજે એક યુવાન ચડયો હોવાની જાણ જોરાવરનગર પોલીસ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના ફાયર વિભાગને કરાઈ સાંજના 7-37 કલાકે કરાઈ હતી. આથી મહાનગરપાલીકાના ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ યોધ્ધા નામના ફાયર વ્હીકલ સાથે પહોંચ્યા હતા. જેમાં તપાસ કરાતા યુવક મોબાઈલ ટાવર પર અંદાજે 30 મીટર જેટલી ઉંચાઈએ પહોચ્યો હતો. ફાયર વીભાગના સંજય ચૌહાણ, રાહુલભાઈ ડોડીયા, દિવ્યરાજસિંહ, પાર્થીવભાઈ, ભગીરથસિંહ, લાલજીભાઈ સહિતનાઓએ ઉપર જઈ રસ્સા બાંધી યુવકને મહામહેનતે અંદાજે 9-20 કલાકના સમયે 2 કલાકની જહેમત બાદ હેમખેમ ઉતાર્યો હતો. આ સમયે જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર બળવંતસિંહ પરમાર સહિતનાઓ પણ દોડી ગયા હતા. અને તપાસ કરતા યુવક સુધારા પ્લોટમાં રહેતો હનીફ ઉર્ફે ભુરો હોવાનું સામે આવ્યુ હતુ. આ યુવક માનસીક રીતે અસ્થીર છે. અને મોબાઈલ ટાવર પર તે ચડતા તો ચડી ગયો હતો. પરંતુ નીચે પોતાની રીતે ઉતરી શકતો ન હતો. પોલીસે ગભરાયેલી હાલતમાં લાગતા હનીફને ઠંડુ પાણી પીવડાવી તેના ઘરે સુરક્ષીત પહોંચાડયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: