સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના તલવણી ગામની સીમમાંથી પસાર થતી માઈનોર કેનાલ તંત્રના વાંકે ઓવરફ્લો થતા નજીકના ખેતરોમાં ભરાયા હતા. તેમાંય 100 વીઘાથી વધુ જમીનમાં કરેલા શિયાળુ પાકના વાવેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂતો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા વિભાગ દ્વારા કેનાલની સાફ્-સફાઈ અને રીપેરીંગનું સમયસર કામ કરવામાં ન આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેના કારણે ગામની 100 વીઘાથી વધુ જમીન પર કેનાલના પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોએ ભારે મહેનતે વાવેલા અજમો, જીરુ, વરિયાળી, ઘઉં, ચણા સહિતના શિયાળુ પાકોના વાવેતર પર પાણી ફરી વળ્યું છે. આખી સિઝનની મહેનત અને મૂડી પાણીમાં ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, લખતર તાલુકા ગ્રામ્યની સીમમાંથી પસાર થતી માઈનોર કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ બની ગઈ છે. વારંવાર કેનાલો ઓવરફ્લો થવાના કારણે અને પાણી ભરાવાના કારણે તલવણી ગામની 1000થી વધુ વીઘા જમીનના ખેડૂતોને અવારનવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન લવાતા ખેડૂતોમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી છે. તેમજ સાંપ્રત સ્થિતિ અંગે ખેડૂતોએ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું રીપેરીંગ કામ કરવામાં આવે અને થયેલા પાક નુકસાન અંગે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો