સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળે તે માટે એફોર્ડેબલ હાઉસીંગ મિશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં મનપાના કમીશ્નરે શહેરના બિલ્ડર્સ અને વિવિધ બેંકના મેનેજર્સ સાથે બેઠક કરી હતી.


નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ PM આવાસ યોજના-શહેરી અમલમાં આવી છે. જેમાં એફોર્ડેબલ હાઉસીંગ મિશનમાં ઈન-સીટુ રીડવેલપમેન્ટ એટલ કે, ઝુંપડપટ્ટીમાં રહેતા શહેરી ગરીબોને પાકા આવાસ પુરા પાડવામાં આવે છે. આ જમીનનો ઉપયોગ સંશાધન તરીકે થાય છે. જેમાં ખાનગી ભાગીદારી અને બેંક દ્વારા સબસીડી વાળી લોન અપાય છે. ત્યારે સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસીંગ મીશન અંતર્ગત ગરીબોને ઘરનું ઘર મળે અને સામાન્ય પરિવારો પણ તેમાં પોતાનું મકાન બનાવી શકે તે માટે બેઠક યોજાઈ હતી. મનપાના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણે, બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ કે.સી.શાહ, દોલુભા ડોડીયા, ગોપાલભાઈ પટેલ, જયરાજસિંહ જાડેજા સહિત વીવીધ બેંકના મેનેજર્સ ઉપસ્થીત રહ્યા હતા. કમીશ્નરે મનપા વિસ્તારમાં ઝુંપડપટ્ટી હોય અને સરકારી જગ્યા હોય તેવા સ્થળની પસંદગી કરવા બીલ્ડરોને જણાવ્યુ છે. આ જમીન પર બીલ્ડર્સ આવાસ બનાવશે અને તેમાં ઘરનું ઘર બનાવવા માટે બેંકો ગરીબોને સબસીડીવાળી લોન આપશે. ઝુંપડપટ્ટી સીવાયના ગરીબ અને સામાન્ય વર્ગના લોકો પણ તેમાં મકાન લઈ શકશે. આ માટે જમીનનો કોઈ ખર્ચ વસુલાશે નહી. જયારે પ્રોજેકટને નાણાકીય સક્ષમ બનાવવા માટે વધારાની FSI પ્રદાન કરાશે. સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસો.એ આ યોજના અંતર્ગત હકારાત્મકતા દર્શાવી હતી. સાથે સાથે મનપા દ્વારા પ્લાન પાસ કરવાની પ્રક્રીયા વધુ સરળ અને ઝડપી બનાવાય તેવી પણ માંગ વધુમાં બેઠક દરમિયાન કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: