ચોટીલા તાલુકાના ખેરડી ગામે સીમ વાડીમાં રહી ખેતમજુર કરતા પરિવારની પરિણીતાએ તા. 13-2ના રોજ પતિના ત્રાસથી ઝેરી દવા પી મોતની સોડ તાણી હતી. ત્યારે આ અંગે મૃતકના ભાઈએ બનેવી સામે તા. 21-3ના રોજ દુષ્પ્રેરણની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ચોટીલા તાલુકાના બોરીયાનેશ ગામે રહેતા 32 વર્ષીય મહેશભાઈ પાંચાભાઈ કટોસણીયા મજુરી કરે છે. તેમની બહેન શોભનાબેનના લગ્ન 13 વર્ષ અગાઉ વાંકાનેરના પ્રકાશ નાથાભાઈ ધોળકીયા સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. શોભનાબેનને લગ્ન જીવન દરમીયાન 2 દિકરા અને 2 દિકરી એમ ચાર સંતાન થયા હતા. લગ્ન બાદ શોભનાબેન અવારનવાર પીયર આવતા ત્યારે પતિ પ્રકાશ દારૂ પીને મારકુટ કરતો હોવાનું જણાવતા હતા. વર્ષ 2023માં પ્રકાશ ભરૂચના ઉમટવાડા ગામે રહેતો હતો ત્યારે તેણે ઝઘડો કરી શોભનાબેનના હાથે ગરમ તેલ રેડયુ હતુ. ત્યારબાદ એકાદ વર્ષ શોભનાબેન રીસામણે રહ્યા હતા. બાદમાં સમાજના આગેવાનો થકી સમાધાન થયુ હતુ. ગત વર્ષે વાંકાનેર ખાતે પ્રકાશે શોભનાબેનને માથે ઈંટ મારી ઈજા પહોંચાડી હતી. પરંતુ શોભનાબેન મુંગા મોઢે સહન કરતા હતા. છેલ્લા 2 માસથી શોભનાબેન અને પ્રકાશ ચોટીલા તાલુકાના ખેરડી ગામે વાડી ભાગવી રાખી ખેતમજુરી કરતા અને રહેતા હતા. ત્યારે તા. 12-2ના રોજ શોભનાબેનથી પતિનો ત્રાસ સહન ન થતા અંતે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેમાં સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને લઈ જવાતા મોત થયુ હતુ. આ અંગે તા. 13-2ના રોજ ચોટીલા પોલીસ મથકે જાહેરાત પણ આપી હતી. જયારે શોભનાબેનને 4 સંતાનો હોઈ પોલીસ ફરિયાદ કરાશે તે તેઓ હેરાન થશે એમ વિચારી જે તે સમયે પ્રકાશ સામે કોઈ ફરિયાદ કરી ન હતી. જયારે તા. 21ના રોજ મોડી રાત્રે મૃતક શોભનાબેનના ભાઈ મહેશ કટોસણીયાએ બનેવી પ્રકાશ ધોળકીયા સામે શોભનાબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ બી.એન.ગળચર ચલાવી રહ્યા છે.










