ઝાલાવાડમાં આવતીકાલે તા. 11મીને રવિવારથી માં અંબાની આરાધનાના પર્વ સમાન નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 8 સ્થળે પાર્ટી પ્લોટના વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ યોજાનાર છે. આ ઉપરાંત 500 થી વધુ માણસો એકત્ર થતા હોય તેવા 42 સ્થળોએ અને 716 શેરી ગરબીના આયોજનો થયા છે. ત્યારે નવરાત્રીને લઈ યુવા હૈયાઓમાં ગરબે ઘુમવા થનગનાટ જોવા મળી રહ્યો છે.ઝાલાવાડમાં રૂમઝુમ કરતા માંના નવલા નોરતા આવી રહ્યા છે. આવતીકાલે તા. 11 ઓકટોબરને રવીવારથી માંની આરાધનાના પર્વ સમાન નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે ઝાલાવાડમાં નવરાત્રીના તહેવારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો પાર્ટીપ્લોટ અને શેરી ગરબીઓમાં ગરબે ઘુમવા થનગની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વને અનુલક્ષીને આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી કચેરીઓ દ્વારા નવરાત્રીને લઈને માર્ગદર્શીકા પણ જાહેર કરાઈ છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 8 સ્થળે કોમર્શીયલ પાર્ટીપ્લોટનું આયોજન થયુ છે. જેમાં 7 પાર્ટીપ્લોટ સુરેન્દ્રનગર અને એક ધ્રાંગધ્રામાં થનાર છે. સુરેન્દ્રનગર શહેરમાં એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં 4 અને બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં 3 મળી કુલ 7 પાર્ટીપ્લોટ થનાર છે. બીજી તરફ જિલ્લાના 42 એવા સ્થળોએ નવરાત્રી મહોત્સવ થશે જેમાં 500 થી વધુ માણસો એકત્ર થતુ હોય છે. જયારે 716 શેરી ગરબીના આયોજનો થનાર છે. નવરાત્રી પર્વ શરૂ થવાને હવે ગણતરીના કલાકો રહ્યા છે. ત્યારે આયોજકો પણ અંતીમ તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ ખેલૈયાઓ પણ નવરાત્રીના નવે-નવ દિવસ ગરબે ઘુમવા અલગ-અલગ વસ્ત્રોની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લામાં નવરાત્રી પર્વ એકંદરે શાંતીપુર્વક યોજાય તે માટે જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી, એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનથી વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યુ છે.
