આ યોજના હેઠળ જિલ્લાની રમતગમતમાં રસ ધરાવતી અને નિયત માપદંડો પૂર્ણ કરતી શાળાઓ પાસેથી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.

આ યોજનામાં સહભાગી થવા ઈચ્છતી શાળાઓ માટે ચોક્કસ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે

આ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાની મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી શાળાઓનો જ સમાવેશ કરવામાં આવશે. પસંદગી પામનાર શાળા પાસે ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની શિક્ષણ સુવિધા અને વિદ્યાર્થીઓના નિવાસ માટે ઓછામાં ઓછા ૨૦૦ ભાઈઓ-બહેનોની ક્ષમતા ધરાવતી હોસ્ટેલની સુવિધા હોવી અનિવાર્ય છે. રમતગમતના આંતરમાળખાકીય વિકાસ માટે શાળા પાસે ઓછામાં ઓછી ૩ એકર જમીન, રમતનાં મેદાનો અને ઇન્ડોર રમતની સુવિધાઓ હોવી જરૂરી છે. જે શાળાઓ પાસે પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાનો ઉપલબ્ધ હશે, તેમને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.

રસ ધરાવતી શાળાઓએ જરૂરી આધાર-પુરાવાઓ સાથે પોતાની અરજી કરવી

શૈક્ષણિક ગુણવત્તાના સંદર્ભમાં, શાળાએ છેલ્લા ત્રણ વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓમાં સાતત્યપૂર્ણ દેખાવ સાથે લઘુત્તમ ૭૦ ટકા પરિણામ મેળવેલું હોવું જોઈએ. રસ ધરાવતી શાળાઓએ જરૂરી આધાર-પુરાવાઓ સાથે પોતાની અરજી આગામી તા. ૦૮/૦૪/૨૦૨૬ ના રોજ સાંજે ૦૬:૧૦ કલાક સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડીના સરનામે રજીસ્ટર એ.ડી. પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં પહોંચાડવાની રહેશે. વધુમાં જણાવવાનું કે, જે શાળાઓએ આ પૂર્વે અરજી કરેલી હોય, તેમણે પણ આ પ્રક્રિયા હેઠળ ફરીથી ફરજિયાતપણે નવી અરજી કરવાની રહેશે. વધુ વિગતો અને માર્ગદર્શન માટે શાળાઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કૃષ્ણનગર સામે, મીલ રોડ, લીંબડી અથવા ફોન નંબર (૦૨૭૫૩) ૨૬૦૭૩૪ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં 2 બાળકના મોત, વાડીમાં રમતા-રમતા ટાંકીમાં પડતા બની ઘટના