સુરેન્દ્રનગરમાં થોડા સમય પૂર્વે પડેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની રેડના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી ચંદ્રસિંહ મોરીને આજે જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપીના રિમાન્ડની અવધિ પૂર્ણ થતા EDની ટીમ દ્વારા તેને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ EDએ આ કેસના તાર મેળવવા માટે ચંદ્રસિંહ મોરીની દિલ્હીમાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં મની લોન્ડરિંગ અને બેનામી મિલકતોને લગતા અનેક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
ED રેડ કેસ
કોર્ટમાં રજૂઆત દરમિયાન ED દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી ચંદ્રસિંહ મોરીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ હાઈ-પ્રોફાઈલ કેસને પગલે સુરેન્દ્રનગરના રાજકીય અને વ્યવસાયિક વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપેલો છે. હવે જ્યારે આરોપી જેલ હવાલે થયો છે, ત્યારે ED દ્વારા ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કેસમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પણ કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે.













