સુરેન્દનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખીંટલા ગામની સીમ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આ વાવેતરને દુર કરવા માટે પોલીસને 19 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સમગ્ર વાવેતર કંતાનમાં સીલ પેકિંગ કરવામાં આવ્યું છે.


રૂપિયા 2,79,85,000નો મુદ્દામાલ કબ્જે કરાયો

સરેન્દ્રનગર SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખીંટલા ગામની પામર સીમમાંથી 559.7 કિલો વજનના 180 લીલા ગાંજાના છોડ મળી કુલ રૂપિયા 2,79,85,000નો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તેની સાથે NDPS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખેતરમાં વાવેલા ગાંજાના મોટા છોડને ઉખેડી લેવા લાગ્યા 19 કલાક

સુરેન્દ્રનગર SOGની ટીમે સોમવારે સવારથી આ રેડ શરૂ કરી હતી. આ કામગીરીમાં સરકારી પંચો, તોલાટ, FSLની ટીમ, 12 GRD જવાનો સહિતનો સ્ટાફ જોડાયો હતો. નાર્કોટિક્સ એક્ટ હેઠળનો ગુનો હોવાથી સલામત રીતે ખેતરમાં વાવેલા ગાંજાના મોટા છોડને ઉખેડી લેવા માટે GRD જવાનોની મદદ લેવાઈ હતી.

ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સતત 19 કલાક સુધી ચાલેલી લાંબી કાર્યવાહી બાદ મુદ્દામાલ સીલ કરવા સાથે આરોપી રાજુ ખવડ વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખીંટલાની સીમ વિસ્તારમાં કરવામાં આવેલી રેડ સમયે કેટલાક ગાંજાના છોડવા પર મધમાખીઓના મધપૂડા જોવા મળ્યા હતા. પોલીસ તેમજ GRD ની ટીમ દ્વારા મધમાખીઓને દૂર કરવા ધુમાડાનો પ્રયોગ કરતા માખીઓ ઊડી જતા છોડવા ઉખેડવાની કામગીરી યથાવત રહેવા પામી હતી. ગાંજાના મોટા છોડના જથ્થાને સીલ કરવા માટે પોલીસની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બાર ફૂટ જેટલા લાંબા છોડવાઓને સીલ પેકિંગ કરવા 15×20 ફુટના કંતાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં તાલુકાના ગરામભડી ગામની સીમમાંથી SOG દ્વારા પાંચ ખેતરોમાંથી ગાંજાના મોટા પાયે કરવામાં આવેલા વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે લિબાળા, ઢિંકવાળી જેવા ગામો માંથી પણ ગાંજો ઝડપાયો હતો, ત્યારે ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના અંતરિયાળ વિસ્તારોમાંથી જ અવારનવાર નશાની ખેતી ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: