૬૦-દસાડા વિધાનસભા મતદાર વિભાગ, મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી, પાટડીની અખબારી યાદી મુજબ, ૬૦-દસાડા વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નોંધાવવા, સુધારા-વધારા કરાવવા અથવા નામ કઢાવવા માટે પોતાના ગણતરી ફોર્મ/દસ્તાવેજો પોતાના મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર (B.L.O.) પાસે જમા કરાવવાના રહેશે.
સ્થાનિકો બી.એલ.ઓ. પાસે પોતાના ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવી શકે છે
૬૦-દસાડા વિધાનસભા મતદાર વિભાગના મતદારોની સગવડતા માટે વિશેષ કેમ્પ અન્વયે તા. ૨૯/૧૧/૨૦૨૫, શનિવારના રોજ: બપોરે ૧૨-૦૦ કલાક થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી તેમજ તા. ૩૦/૧૧/૨૦૨૫, રવિવારના રોજ: સવારે ૧૦-૦૦ કલાક થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી ફોર્મ જમા કરાવી શકશે. જેમાં મતદારયાદી ભાગ નં.૧ થી ૧૭૮ના મતદારો મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, પાટડી ખાતે, મતદારયાદી ભાગ નં.૧૭૯ થી ૨૪૯ના મતદારો મામલતદાર કચેરી, લખતર ખાતે, મતદારયાદી ભાગ નં.૨૫૦ થી ૨૯૪ના મતદારો મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, લીંબડી ખાતે પોતાના વિસ્તારના મતદાન મથક ખાતેના બી.એલ.ઓ. પાસે પોતાના ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવી શકે છે.
સમયસર ફોર્મ જમા કરાવીને લોકશાહી પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપે તે આવશ્યક છે
ફોર્મ ભરતી વખતે, અરજદારે પોતાના, પિતા અને માતા માટે અલગ-અલગ સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત છે. માન્ય ગણાતા દસ્તાવેજોની સૂચક યાદી નીચે મુજબ છે, જેમાંથી કોઈપણ એક પુરાવો રજૂ કરી શકાય છે, આ સુધારણા કાર્યક્રમનો તમામ મતદારો લાભ લે અને સમયસર ફોર્મ જમા કરાવીને લોકશાહી પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપે તે આવશ્યક છે.
૧. કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર.
૨. ૦૧.૦૭.૧૯૮૭ પહેલા સરકાર/સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી / પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.
૩. સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર.
૪. પાસપોર્ટ.
૫. માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર.
૬. સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર.
૭. વન અધિકાર પ્રમાણપત્ર.
૮. ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર.
૯. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય).
૧૦. રાજ્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર.
૧૧. સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર.
૧૨. આધાર માટે, ભારતના ચૂંટણી પંચના તા. ૦૯.૦૯.૨૦૨૫ ના પત્ર નં.૨૩/૨૦૨૫-ERS-Vol I (આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે).
૧૩. માન્ય બોર્ડ/શાળા દ્વારા ઈસ્યુ કરાયેલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
આ પણ વાંચો : Railway News : ગુજરાત રાજયના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી, ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે