વઢવાણ તાલુકાના ખજેલી ગામ પાસેથી તા. 21-7ના રોજ બાઈક લઈને જઈ રહેલા લખતરના વરસાણી ગામના 2 પિતરાઈ ભાઈઓનો અકસ્માત થયો હતો. જેમાં 1નું મોત થયુ હતુ. ત્યારે મૃતકની હત્યા કરાઈ હોવાની રજુઆત સાથે ન્યાયની માંગણી કરી પરિવારજનોએ એસપી કચેરીએ રજુઆત કરી છે.

જયારે લખતર તાલુકાના વરસાણી ગામે રહેતા ચંદુભાઈ ચમનભાઈ નગવાડીયા અને તેમનો પિતરાઈ ભાઈ અજયભાઈ વિનોદભાઈ નગવાડીયા તા. 21-7ના રોજ મોડી સાંજે બાઈક લઈને વઢવાણ તાલુકાના ઝાંપોદડથી વરસાણી જતા હતા. ત્યારે ખજેલી ગામના બોર્ડ પાસે કોઈ અજાણ્યા વાહને બન્નેને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં બન્નેને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ લઈ જવાતા તબીબોએ ચંદુભાઈને મૃત જાહેર કર્યા હતા. જયારે અજયભાઈને વધુ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે માધાભાઈ બચુભાઈ નગવાડીયાએ વઢવાણ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં મૃતક ચંદુભાઈની હત્યા કરાઈ હોવાની રાવ સાથે પરિવારજનોએ એસપી કચેરીએ રજુઆત કરી હતી. પરીવારજનોના જણાવાયા મુજબ મૃતકના શરીરે તીક્ષ્ણ હથીયારથી ઘાના નીશાન હતા. જયારે બનાવના ર દિવસ બાદ ઘટનાસ્થળેથી તેનું બાઈક પણ ગાયબ થઈ ગયુ હતુ. ત્યારે આ બનાવના તપાસ અધીકારી વઢવાણ પોલીસ મથકના એએસઆઈ એસ.વી.કલોતરાએ આ દીશામાં તપાસ હાથ ધરી છે.