સુરેન્દ્રનગર વોર્ડ નં. 9માં રતનપરના શકિતનગર ઢોરા વિસ્તારમાં પરવાનેદાર ભીખાભાઈની સસ્તા અનાજની દુકાન આવેલી છે. હાલ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે દુકાનદારની અનીયમીતતાથી ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. આથી ગુરૂવારે વોર્ડ નં. 9ના કોર્પોરેટર પ્રદીપભાઈ વસ્તાણી, શૈલેષભાઈ મકવાણા સહિતનાઓને સાથે રાખી રહીશોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી હતી. રહીશોના જણાવાયા મુજબ ભીખાભાઈની સસ્તા અનાજની દુકાને આ વિસ્તારના 1200થી વધુ પરિવારોના રેશનકાર્ડ ચાલે છે. દર માસે અંતીમ દિવસોમાં જ તેઓ દુકાન ખોલે છે. જેના લીધે ગ્રાહકોની ભારે ભીડ થાય છે. તેઓને મહિનાની 15 તારીખ બાદ દુકાન ખોલવાનું કહેતા તમારે જયાં રજુઆત કરવી હોય તે કરો તેવો ઉડાઉ જવાબ આપે છે. આ ઉપરાંત ગ્રાહકોને સસ્તા ભાવે મળતા ઘઉં, ચોખા સહિતનાઓમાં વજનમાં ઓછુ અપાતુ હોવાની પણ રાવ રહીશોએ વ્યકત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો