ધ્રાંગધ્રાના રાજસીતાપુરના બે પેટ્રોલપંપમાં ઇંધણ નહીં હોવા અને યુનીટ ખરાબનું બહાનુ બતાવી લોકોને રાતથી ઇંધણ નહી આપતા હોવાથી લોકોએ કંટાળીને તાત્કાલીક મામલતદાર અને ડેપ્યુટી કલેકટરને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને ત્યાર બાદ બંન્ને પેટ્રોલપંપે ઇંધણનું વેચાણ શરૂ કરાયુ હતુ આમ આવા લોકોને હેરાન કરનારા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર પાસે પરીશ્રામ પેટ્રોલીયમ અને કૌશર પેટ્રોલીયમ નામના બે પેટ્રોલપંપ આવેલા છે. પરંતુ આ બંને જગ્યાએ લોકો કલાકો સુધી રાહ જોવા છતાય ઇંધણ નહી હોવાનુ અને યુનીટ ખરાબ હોવાનું બહાનું બતાવી વેચાણ કરતા ન હતા. લોકો સાથે ખેડૂતો પણ ટ્રેકટર લઇને ઉભા હતા. જેથી કંટાળીને રાજસીતાપુર ગામના જ માધવસિંહ પઢીયારે ધ્રાંગધ્રા મામલતદાર બી.એસ.પટેલને અને અન્ય લોકોએ ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યને આ ગંભીર બાબતની ફરીયાદ કરી હતી. તુરંત જ નાયબ મામલતદાર સ્થળ ઉપર દોડી આવ્યા હતા.જેમાં કૌશર પેટ્રોલપંપવાળાએ તો તુરંત જ વેચાણ શરૂ પણ કરી દીધુ હતુ અને પરીશ્રામ પેટ્રોલીયમમાં એક યુનીટ ખરાબ હતુ તાત્કાલીક રીપેર થઇ ગયુ અને અડધો કલાકમાં વેચાણ શરૂ પણ થઇ ગયું પરંતુ ગંભીર બાબત એ છેકે એક યુનીટ બગડી ગયુ હતુ અહીતો 3 યુનીટ અને 6 નોઝલ હોવા છતાય બધુ જ બંધ રાખી દીધુ હતુ. અધિકારી આવી ગયા અહી પણ વેચાણ ચાલુ થઇ ગયુ. આમ ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય લોકો કોને ફરીયાદ કરવાના છે એવું માની આવા સંચાલકો આવા કપરા સમયમાં પણ લોકોને હેરાન કરી રહયા હોવાથી પુરવઠા અધિકારી, કલેકટર કડકમાં કડક કાર્યવાહી કરે એવી માધવસિંહ સહિતના લોકોની માંગ ઉઠી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










