રાજસ્થાનથી સૌરાષ્ટ્રના જુનાગઢ તરફ પીકઅપમાં 40 ઘેટા ક્રુરતાપુર્વક લઈ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોએ વોચ રાખી હતી. જેમાં રાજસ્થાનના 3 શખ્સોને રૂપીયા 7.17 લાખની મત્તા સાથે ઝડપી લઈ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના ગૌરક્ષકો હરેશભાઈ ચૌહાણ, ભરતભાઈ વાઘેલા, અનીલભાઈ બોરાણા સહિતનાઓએ આપાગીગાના ઓટલા પાસેથી એક પીકઅપ વાનમાં ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર 40 ઘેટા સાથે 3 શખ્સોને ઝડપીને ચોટીલા પોલીસના હવાલે કર્યા હતા. જેમાં એચસી જે.જી.મેણીયા સહિતનાઓએ તપાસ કરતા પીકઅપનો ચાલક રાજસ્થાનનો સમીર ઈલીયાસખાન કુરેશી, શરીફ અહેમદ કુરેશી અને મુર્શીદમહોમ્મદ કુર્શીદમહોમ્મદ કુરેશી હોવાનું સામે આવ્યુ હતુ. આ શખ્સોની પુછપરછ કરતા તેઓ રાજસ્થાનથી ઘેટા ભરીને જુનાગઢ જિલ્લાના માંગરોળના સોયમ હાસમભાઈ બુમાડીયાને આપવા લઈ જતા હતા. આથી પોલીસે 40 ઘેટા કિંમત રૂપીયા 2 લાખ, પીકઅપ રૂપીયા 5 લાખ અને 3 મોબાઈલ કિંમત રૂપીયા 17 હજાર મળી કુલ રૂપીયા 7.17 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય સામે પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવાના અધીનીયમ મુજબ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. જયારે ઘેટાઓને રાજકોટની આજીડેમ ચોકડી પાસે આવેલ પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે.
