બજાણા પોલીસની ટીમને માલવણ હાઈવે પર આવેલ 2 હોટલમાં પોસદોડવાનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હોટલ આલીશાનના ધાબા ઉપરથી અને હોટલ રામદેવની પાછળથી 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવા સાથે બન્ને હોટેલના સંચાલકો ઝડપાયા હતા. આ બનાવમાં કુલ રૂપીયા 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી મુજબ બજાણા પીઆઈ એમ.બી.બામ્બા સહિતની ટીમે હોટલ આલીશાનમાં પોષ ડોડવાનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હોટલનો સંચાલક મુળ રાજસ્થાનનો વનારામ નર્સીંગારામ શીયાગ હોટલના ધાબા ઉપરથી 82 કિલો અને 100 ગ્રામ પોષ ડોડવા સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ જથ્થો 20-25 દિવસ પહેલા રાજસ્થાનનો ભીખારામ જુગતારામ આપી ગયો હતો. આ સાથે હોટલ રામદેવમાં પણ જથ્થો ઉતર્યો છે. આ જથ્થો હોટલ રામદેવના સંચાલક જયરામ પુરારામ સાથે મળીને પીપળીના ઈમરાન નસીબખાન મલેક અને સલીમ ઉર્ફે સલીયો અમીરખાન મલેકે મંગાવ્યો હતો. આથી પોલીસે હોટલ રામદેવમાં રેડ કરી ત્યાંથી જયરામને 20 કિલો 700 ગ્રામ જથ્થા સાથે પકડી પાડયો હતો. બન્નેની પુછપરછમાં બન્ને હોટલે આવતા ડ્રાઈવરોને વેચાણ કરતા હતા. પોલીસે રૂ. 15.42 લાખનો 102 કિલો 800 ગ્રામ પોસદોડવાનો જથ્થો, રૂપીયા 10 હજારના 2 મોબાઈલ અને જથ્થાની હેરફેરમાં વપરાતી કાર સહિત રૂપીયા 20.52 લાખની મત્તા જપ્ત કરી હતી. અને ઝડપાયેલા વનારામ, જયરામ ઉપરાંત ઈમરાન, સલીયો અને ભીખારામ સામે એનડીપીએસ એકટ હેઠળ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. અન્ય 3 આરોપીઓને શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










