સુરેન્દ્રનગરના રતનપરની શેરી નં. 10 અને લીંબડીના જીનપરા વિસ્તારમાં આવેલ મકાનોમાં પોલીસે દારૂની બાતમીને આધારે રેડ કરી હતી. બન્ને સ્થળેથી કુલ રૂ. 1.26 લાખનો દારૂ જપ્ત કરાયો છે.
જોરાવરનગર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન રતનપર શેરી નં. 10માં રહેતા પિતા-પુત્ર મનોજ અને ઉત્તમ તેમના મકાનમાં દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે ઘરમાં તપાસ કરાતા ઘરના રૂમમાં સોફા પાછળથી, પાણીયારામાં પડેલ બે સ્ટીલના બે બેડામાંથી કબાટ ઉપરથી, સીડી પાસેથી વિદેશી દારૂની કુલ નાની મોટી 88 બોટલો કિંમત રૂ. 42,800નો મુદ્દામાલ ઝડપાયો હતો. આથી પિત મનોજ ઉર્ફે મનજી વશરામભાઈ વાઘેલા અને પુત્ર ઉત્તમ મનોજભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધી બન્નેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે લીંબડી પીઆઈ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન લીંબડીના જીનપરામાં રહેતા વિનુ કાળુભાઈ ચોસલા, સ્વરાજ ઉર્ફે સવો રઘુભાઈ ચોસલા તેના ઘરે દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે પોલીસે દારૂની 54 બોટલ કિંમત રૂ. 83,870ની જપ્ત કરી હતી. આ અંગે લીંબડી પોલીસ મથકે બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ. એમ. બારૈયા ચલાવી રહ્યા છે.










