સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ અને સુરેન્દ્રનગરના કૈલાસપાર્કના રહેણાક મકાન તથા ચૂડા તાલુકાના ચોકડીના ગેરેજમાં પોલીસે દરોડા કરી રૂપીયા 4,08,898નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ દરોડામાં એક વૃધ્ધા સહિત રને ઝડપી લઈ અન્ય 3 આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે. લીંબડી પીઆઈ જી.બી.પરમાર, પીએસઆઈ વી.એમ.કોડીયાતર સહિતની ટીમે જાખણ ગામે રહેતો જયરાજસિંહ ભગીરથસિંહ ઝાલા પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખતો હોવાની તથા તેનું ધ્યાન બાજુમાં રહેતો પ્રવીણસિંહ ટેમભા ઝાલા રાખતો હોવાની વિગતો મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે પોલીસે દારૂની 576 બોટલો કિંમત રૂપીયા 3,95,472નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને સામે ફરિયાદ નોંધી તેઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે ચુડા પોલીસને ચોકડીમાં આવેલ ચામુંડા ગેરેજનો હિતેશ ગણપતભાઈ જોગરાજીયા તેના ગેરેજમાં વિદેશી દારૂ રાખી વેચતો હોવાની બાતમી મળતા બુધવારે બપોરે રેડ કરાઈ હતી. જેમાં હીતેશ જોગરાજીયા દારૂની બોટલ કિંમત રૂપીયા 1 હજાર સાથે ઝડપાયો હતો. આ બોટલ ભાણેજડાનો અનીરૂધ્ધ ઉર્ફે લાલો દાદુભાઈ ભાંભળા ગેરેજે આવી આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ સુરેન્દ્રનગર એલસીબી ટીમે તા. 26ના રોજ રાત્રે સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ કૈલાસપાર્કના રહેણાક મકાનમાં રેડ કરી 67 વર્ષીય વિજયાબા બચુભા જાડેજાને વિદેશી દારૂના 39 ચપલા અને 7 બોટલ કિંમત રૂપીયા 12,426 સાથે ઝડપી લઈ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.
