લીંબડી પોલીસે સૌકા ગામે જુગારની રેડ કરી હતી. જેમાં પોલીસ કર્મીને લાફાવાળી કરી, ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી જુગારીયાઓએ આપી છે. આ બનાવમાં બે આરોપીઓે રૂપીયા 12640ની મત્તા સાથે ઝડપી લઈ ફરાર થનાર બે સહિત 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. બીજી તરફ લીંબડીના બળોલ અને વઢવાણના ખજેલીમાં પોલીસે જુગારના દરોડાઓ કર્યા છે.
લીંબડી પીઆઈ જી.બી.પરમાર સહિતની ટીમને પેટ્રોલિંગ દરમીયાન લીંબડી તાલુકાના સૌકા ગામે રહેતો અશોકસિંહ જયદેવસિંહ ઝાલા તેના ઉતારાની વરંડાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તા. 26મીના રોજ મોડી રાત્રે 12-30 કલાકે રેડ કરાઈ હતી. જેમાં જુગારીયાઓએ ઉશ્કેરાઈ પોલીસ સાથે ઝપાઝપી કરી, અપશબ્દો કહી જો અમારા ઉતારે જુગારની રેડ કરશો તો જાનથી મારી નાંખવાના છે તેવી ધમકી આપી હતી. અને પોલીસ કર્મી ધવલભાઈ પટેલને 2-3 ઝાપટ મારી દીધી હતી. આ સમયે અન્ય પોલીસ ફોર્સની જરૂરીયાત હોવાથી પીએસઆઈ વી.એમ.કોડીયાતર, એમ.એમ.બારૈયા સહિતનાઓને બોલાવાયા હતા. આ દરમીયાન જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. અને પોલીસે 39 વર્ષીય અશોકસિંહ જયદેવસિંહ ઝાલા તથા રેલવેમાં ગેટમેન તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય ભુપેન્દ્રસિંહ જયદેવસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. આ દરોડામાં દિગ્વજયસિંહ ઉર્ફે ભાણુભા જાડેજા અને નવદીપસિંહ ગીરૂભા ઝાલા ફરાર થઈ ગયા હતા. જયારે દરોડાના સ્થળેથી પોલીસે રોકડા રૂપીયા 2640 અને મોબાઈલ સહિત રૂપીયા 12,640નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવની એએસઆઈ ડી.જે.વાઘેલાએ 4 આરોપીઓ સામે જુગાર ઉપરાંત, પોલીસ કર્મી સાથે મારામારી અને ધમકી આપ્યાની લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જયારે પાણશીણા પોલીસ મથકના આર.એમ.સોલંકી સહિતની ટીમે લીંબડીના બળોલ ગામે રેડ કરી હતી. જેમાં સવજી બાબુભાઈ રાઠોડ, વાસુદેવ લાભુભાઈ રાઠોડ, ગુણવંત ઉર્ફે ગુણુ ઝીણાભાઈ સારોલા, લાલજી જેસીંગભાઈ મઘરોલા, પ્રભુ મેઘાભાઈ રાઠોડ, ભરત જગમાલભાઈ પરમાર રોકડા રૂપીયા 11230 સાથે પકડાયા છે. બીજી તરફ વઢવાણ તાલુકાના ખજેલી ગામે કોળીપરામાં જુગાર રમતા દશરથ નરશીભાઈ રહાણી, ભાવેશ સુખદેવભાઈ કુમારખાણીયા, ભરત મનસુખભાઈ ધલવાણીયા, મહેન્દ્ર ઠાકરશીભાઈ ધલવાણીયા, દીપક સુખદેવભાઈ ધલવાણીયા અને રોહીત ભુપતભાઈ ધલવાણીયા રોકડા રૂપીયા 10,180 સાથે પકડાયા છે.
