સાયલા : બાળ લગ્ન જેવા સામાજિક દૂષણને નાબૂદ કરવા અને બાળ સંરક્ષણ અંગે સમાજમાં કાયદાકીય જાગૃતિ લાવવાના હેતુથી JRC અને ગાયત્રી સેવા સંસ્થાન (ઉદયપુર) - સુરેન્દ્રનગર દ્વારા દેવગઢ ગામની સર્વોદય શૈક્ષણિક સંકુલ ખાતે 'બાળ લગ્ન નિષેધ દિવસ' નિમિત્તે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી તથા સિનિયર સિવિલ જજ આર. જી. મનસૂરી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચિંતનભાઈ પટેલ, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક ભાનુબેન કુમારખાણિયા તેમજ સાયલા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિઓ સહિતના ઉપસ્થિય રહ્યા હતા. આ તકે આવેલા મુખ્ય વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ' તેમજ બાળ સંરક્ષણના વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કાયદા મુજબ લગ્ન માટે દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ હોવી ફરજિયાત છે. નાની ઉંમરે થતા લગ્ન બાળકોના શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસને અવરોધે છે. જો કોઈ વ્યક્તિ બાળ લગ્ન કરાવે અથવા તેમાં મદદરૂપ થાય, તો તે કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે. આ ઉપરાંત બાળકોના અધિકારો અને સુરક્ષા માટે કાર્યરત સરકારી યોજનાઓ અને હેલ્પલાઇન નંબરોની પણ માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ બાળ લગ્ન નહીં કરીએ અને થવા પણ નહીં દઈએ તેવા સામૂહિક શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવવા બદલ આયોજક સંસ્થા JRC અને ગાયત્રી સેવા સંસ્થાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
