ઝાલાવાડમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા છાંટો પાણીની વ્યવસ્થા કરતા બુટલેગરોના મનસુબા પર પોલીસ પાણી ફેરવી રહી છે. જેમાં ચોટીલાના નાની મોલડી ગામની સીમમાં પોલીસે રેડ કરી દારૂની 180 બોટલો જપ્ત કરી હતી. બીજી તરફ ચોટીલાના કુંઢડા, ધ્રાંગધ્રાના રતનપર અને લીંબડીમાંથી દારૂની બોટલો સાથે આરોપીઓ પકડાયા હતા.


ચોટીલા પીઆઈ જે.એન.સોલંકી સહિતની ટીમને પેટ્રોલિંગ દરમીયાન નાની મોલડી ગામે રહેતો જયરાજ જીલુભાઈ ખાચર તેના કબજા ભોગવટાના ખેતરના શેઢે વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વિદેશી દારૂની 180 બોટલો કિંમત રૂપીયા 4,53,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાજર ન મળી આવનાર આરોપી જયરાજ ખાચર સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ બી.એન.ગળચર ચલાવી રહ્યા છે. જયારે ચોટીલાના કુંઢડા ગામ પાસે આવેલ પુષ્પક પેટ્રોલપંપ પાસેથી કુંઢડાનો વિજય ગોવાભાઈ ધોરાળીયા વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 1400 સાથે પકડાયો હતો. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે રતનપર ગામના બસ સ્ટેશન પાસેથી મુળ ધોળીના અને હાલ મોરબીના બ્લુ ગ્રેસ સીરામીકમાં રહેતા બીમલ ઉર્ફે હીતેશ મહાદેવભાઈ ઈન્દરીયાને દારૂની 7 બોટલ કિંમત રૂપીયા 9800 સાથે પકડી પાડયો હતો. આ ઉપરાંત લીંબડી કંસારા બજારના રસ્તેથી પાવર હાઉસ પાસે રહેતો કુંદન જદુરામભાઈ ગોહીલ બીયરનું 1 ટીન અને મોબાઈલ સહિત રૂપીયા 5,210 સાથે પકડાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: