સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભાણેજડા, ધ્રાંગધ્રાના કુડા અને ચોટીલાના ડાકવડલા ગામે પોલીસે દારૂની બાતમીને આધારે દરોડા કર્યા હતા. જેમાં 1 આરોપી પકડાયો હતો. જયારે 3ની પોલીસ શોધખોળ કરી રહી છે. ત્રણેય દરોડામાં કુલ રૂપીયા 46,812નો દારૂ જપ્ત કરાયો છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, ભરતભાઈ સભાડ સહિતનાઓને ચુડા તાલુકાના ભાણેજડા ગામે રહેતો જનકસિંહ બનેસંગભાઈ પરમાર તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જનકસિંહ હાજર મળી આવ્યો ન હતો. જયારે મકાનના ધાબા ઉપરથી દારૂની 46 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપીયા 7,912નો દારૂ જપ્ત કરી આરોપી જનકસિંહ પરમાર સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના એએસઆઈ પી.પી.ખુંટી, નરેશભાઈ સહિતનાઓને કુડા ગામે નદીના કાંઠે બાવળીયામાં એક શખ્સ દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં કુડાનો સહદેવ ઉર્ફે સજલો હેમાભાઈ ઉડેચા વિદેશી દારૂના પ ચપલા કિંમત રૂપીયા 500 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ કુડાના બળદેવ કરશનભાઈ પ્રજાપતીનો હોવાનું તથા તે દાડી ઉપર મજુરી કરીને દારૂ વેચતો હોવાનું જણાવ્યુ હતુ. આથી બન્ને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી બળદેવ પ્રજાપતીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન ચોટીલાના ડાકવડલા ગામ પાસે ફોરેસ્ટની વીડમાં ડાકવડલાનો જયસુખ ભીખાભાઈ મેર દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વીડમાં બાવળમાં છુપાવેલ વિદેશી દારૂના 384 ચપલા કિંમત રૂપીયા 38,400ના જપ્ત કર્યા હતા. આરોપી જયસુખ મેર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.જે.જીડીયા ચલાવી રહ્યા છે.










