રતનપરમાં રહેતા પરિવારમાં યુવાનને તાળવાનું કેન્સર હોઈ અમદાવાદ સારવાર કરાવી હતી. જેમાં યુવાનના મોટાભાઈએ સારવારનો ખર્ચ આપ્યો હતો. આ ખર્ચ પરત માંગી યુવાનની પત્નીને તેના જેઠ-જેઠાણી અને ભત્રીજીએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રતનપરના શિવનગર-3માં વિનોદભાઈ શાંતીલાલ પરમાર રહે છે. તેમની સામે તેમના ભાઈ કેતન શાંતીલાલ પરમાર રહે છે. વિનોદભાઈને તાળવામાં કેન્સરની બીમારી હોઈ તા. 2-6ના રોજ અમદાવાદની કર્ણાવતી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જયારે તા. 27-6ના રોજ વિનોદભાઈને હોસ્પીટલમાંથી રજા આપી હતી. આ સારવારનો ખર્ચ વિનોદભાઈના પિતા શાંતીલાલ અને ભાઈ કેતને આપ્યો હતો. તા. 28-6ના રોજ બપોરના સમયે વિનોદભાઈના પત્ની પાયલબેન ઘરકામ કરતા હતા. ત્યારે તેમના જેઠ કેતન શાંતીલાલ પરમાર, જેઠાણી તૃપ્તીબેન કેતનભાઈ પરમાર અને ભત્રીજી દેવાંશી કેતનભાઈ પરમાર આવ્યા હતા. અને પાયલબેનનો કાંઠલો પકડી, માથાના વાળ પકડી ઢસડીને ઘરના ડેલા પાસે લઈ જઈ મુઢ માર મારી સારવારના પૈસાની માંગણી કરી હતી. આ સમયે તૃપ્તીબેને પાયલબેનના ડાબા હાથના અંગુઠે બટકુ ભરી લીધુ હતુ. અને અપશબ્દો કહી તારા પતિની સારવારમાં જે અમોએ ખર્ચ આપ્યો છે તે આપી દે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે તા. 29-6ના રોજ રાત્રે પાયલબેન પરમારે જોરાવરનગર પોલીસ મથકે જેઠ-જેઠાણી અને ભત્રીજી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એસ.એમ.સુમેરા ચલાવી રહ્યા છે.
