સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કરોડો રૂપિયા વિકાસ અર્થે મંજૂર થયા હોવા છતાં સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. ત્યારે બુધવારે અલગ-અલગ બે વિસ્તારમાંથી ભુગર્ભ ગટર અને પીવાના પાણી પ્રશ્ને મનપા કચેરીમાં રજૂઆતો થઈ છે. જેમાં સંત સવૈયાનાથ સોસાયટીમાં છેલ્લા સવા વર્ષથી ભુગર્ભ ગટરનું કામ શરૂ કરાયા બાદ હાલ કામ ખોરંભે પડતા ખોદેલા રસ્તા અને રસ્તા વચ્ચે મસમોટી પાઈપોથી રહીશો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. બીજી તરફ ફીરદોસ સોસાયટીની મહિલાઓને પીવાનું પાણી અનિયમિત મળતા મનપા કચેરીએ થાળી-વેલણ વગાડી રજૂઆતો કરી હતી.


સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પણ છેવાડાના વિસ્તારોમાં પ્રાથમીક સમસ્યાઓ સંદર્ભે બુમરાણ ઉઠી રહી છે. મનપાના વોર્ડ નં. 6માં આવેલ સંત સવૈયાનાથ સોસાયટીમાં ભુગર્ભ ગટરની સુવિધા ન હોવાથી તા. 20-11-25 ના રોજ ભુગર્ભ ગટર નાંખવાના કામનો આરંભ કરાયો હતો. પરંતુ આ કામ થોડા દિવસ ચાલ્યા બાદ હાલ ખોરંભે પડી ગયુ છે. સોસાયટીની ગલીઓમાં રસ્તા વચ્ચેથી ખોદી નાંખવામાં આવ્યા છે. જયારે રસ્તા વચ્ચે મસમોટી પાઈપો મુકી કોન્ટ્રાકટર જાણે ગાયબ થઈ ગયા હોય તેમ લાગી રહ્યુ છે. આથી સોસાયટીના 340થી વધુ મકાનોના લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ અંગે સંત સવૈયાનાથ સોસાયટીના પ્રતિનિધિ મંડળ વતી સામાજિક આગેવાન અમૃતભાઈ મકવાણાએ તા. 18-2ને બુધવારે મનપા કચેરીના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણેને લેખીત રજૂઆત કરી હતી. જેમાં તાકિદે ભુગર્ભ ગટરની કામગીરી શરૂ થાય અને નિયત સમયમાં પુરી થાય તેવી માંગણી કરાઈ છે. આ ઉપરાંત જો એજન્સી સમય મર્યાદામાં કામ પુર્ણ ન કરે તો તેની સામે શિક્ષાત્મક પગલાની પણ માંગ રજુઆતના અંતે કરાઈ છે. બીજી તરફ શહેરમાં હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઋતુ ચાલી રહી છે. ત્યારે શહેરના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ખડી થઈ છે. જેમાં શહેરના ધોળીધજા ડેમ વિસ્તારમાં આવેલ ફીરદોસ સોસાયટીની મહિલાઓ બુધવારે સવારે મનપા કચેરીએ દોડી આવી હતી. સામાજિક આગેવાન કમલેશભાઈ કોટચાની આગેવાનીમાં મહીલાઓએ મનપા કચેરીમાં થાળી-વેલણ વગાડીને નાયબ કમીશ્નર ચૌહાણને રજુઆત કરતા જણાવ્યુ કે, ફિરદોષ સોસાયટીમાં મુસ્લીમ કોમ્યુનીટીની વસ્તી વધુ છે. આગામી દિવસોમાં મુસ્લીમ સમુદાયના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થનાર છે. ત્યારે ફીરદોસ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણમાં અનિયમિતતા જોવા મળે છે. નિયત સમયે પાણી ન આવતા અને પાણી આવે તો પણ થોડો જ સમય પાણી વિતરણ થતા ખાસ કરીને મહિલાઓ પરેશાન થઈ ગઈ છે. આથી લોકોને પૈસા ખર્ચીને કેરબાનું પીવાનું પાણી મંગાવવુ પડે છે. આથી રમઝાન માસ શરૂ થાય તે પહેલા નિયમિત પાણી વિતરણ થાય તેવી માંગણી મૌખીક રજૂઆત દરમિયાન કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: