કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઘુડખર અભીયારણ્ય આવેલુ છે. સહેલાણીઓ માટે આ અભિયારણ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. ત્યારે આ વર્ષે તા. 16 ઓકટોબરના બદલે એક સપ્તાહ વહેલુ તા. 9મી ઓકટોબરથી અભિયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકી દેવાયુ છે. ગત વર્ષે અભિયારણ્યની 1 હજાર વિદેશી સહિત 22 હજારથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. જેમાં તંત્રને 30 લાખથી વધુની આવક થઈ હતી.કચ્છનું નાનુ રણ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પથરાયેલુ છે. કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભિયારણ્ય એક આરક્ષીત પ્રદેશ છે. અહીં એશીયામાં કયાંય જોવા ન મળતા ઘુડખર જોવા મળે છે. ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈન અંતર્ગત સદીના મહાનાયક એવા અમીતાભ બચ્ચને આ સ્થળે શુટીંગ કર્યા બાદ અભિયારણ્યના પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ચોમાસામાં ઘુડખરોનો બ્રીડીંગ સમય હોઈ અભિયારણ્ય પ્રવાસીઓ માટે ગત જુન માસથી બંધ કરવામાં આવી દેવાયુ હતુ. આ અંગે ઘુડખર અભિયારણ્યના નાયબ વન સંરક્ષક ભરતભાઈ પટેલે જણાવ્યુ કે, તા. 15 જુનથી 16 ઓકટોબર સુધી એમ 4 માસ દરમીયાન અભિયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ અપાતો નથી. ઘુડખરોનો બ્રીડીંગ સમય હોઈ તેઓને ખલેલ ન પડે તે માટે દર વર્ષે 4 માસ પ્રવાસીઓ માટે પ્રવેશ નીષેધ કરવામાં આવે છે. રણમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ઘુડખરોની દર પ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2024માં કરવામાં આવી હતી. ત્યારે ઘુડખરોની સંખ્યા 7672 નોંધાઈ હતી. બીજી તરફ શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ અભિયારણ્યમાં મોટી સંખ્યામાં આવે છે. જે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગત વર્ષે અભિયારણ્યની મુલાકાતે 1 હજાર વિદેશી સહિત 21 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં વન વિભાગને 30 લાખથી વધુની આવક થઈ હતી. દર વર્ષે 16 ઓકટોબરે ખુલ્લુ મુકવામાં આવતુ અભિયારણ્ય આ વર્ષે 9 ઓકટોબરથી જ ખુલ્લુ મુકી દેવાયુ છે. જે આગામી 15 જુન સુધી ખુલ્લુ રહેશે. આથી ફરી પ્રવાસીઓ રાબેતા મુજબ અભિયારણ્યની મુલાકાત કરી શકશે.
