સુરેન્દ્રનગર જિલ્લામાં શૈક્ષણિક સત્ર 2026-2027ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જિલ્લા આરટીઓ વિભાગે વિદ્યાર્થીઓને લાવતા-લઈ જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 12 વાહનોના ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે. આગામી એક માસ સુધી જિલ્લા અને તાલુકા મથકે આ અંગે સ્પેશ્યલ ડ્રાઈવ રહેનાર હોવાનું જિલ્લા આરટીઓ દ્વારા જણાવાયુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 8 જુનથી શૈક્ષણીક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે જિલ્લામાં સ્કુલના બાળકોને લાવતા-લઈ જતા વાહનોનું ચેકિંગ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. અધીકારી એમ.ડી.પાનસેરીયાની સુચનાથી શરૂ કરાયુ છે. જેમાં શનીવારે સવારે આરટીઓ ઈન્સપેકટર એચ.બી.ગણાત્રા, એસ.બી.વઘાસીયા સહિતનાઓએ શહેરના 80 ફુટ રોડ પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ રોડ પર મોટાભાગની સ્કુલો આવેલી હોઈ તંત્ર દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં બાળકોને લઈને જતા વાન, રિક્ષા સહિતના વાહનોની તપાસ કરાતા 12 વાહનોના ચાલકો નીયમોનો ભંગ કરતા સામે આવ્યા હતા. આથી તેમની સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે. આગામી 1 માસ દરમીયાન સુરેન્દ્રનગર શહેર અને તાલુકા મથકોએ સ્કુલના વાહનોનુ ચેકિંગ કરવામાં આવશે તેમ આરટીઓના સુત્રો પાસેથી જાણવા મળે છે. બીજી તરફ આરટીઓ દ્વારા સ્કુલ વાન તરીકે ચાલતા વાહનોને તેની પરમીટ લેવી ફરજિયાત છે. ત્યારબાદ જ તેમાં બાળકોની હેરફેર કરી શકાય છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં બાળકોને બેસાડવા પણ ગુનો બનતો હોવાનું જણાવ્યુ છે.










