ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ ખાતે ઘુડખર અભ્યારણને અડીને બનેલા સોલાર પ્લાન્ટના બાંધકામ માટે અવર જવર કરતા વાહનોએ આ પ્લાન્ટે જવાના ત્રણ ગામના રસ્તા તોડતા લોકોએ રોષ વ્યકત કર્યો હતો એવામાં કંપનીએ 2.10 કરોડ રૂપિયાનું નુકશાન કર્યાનો ડેપ્યુટી કલેકટરે રીપોર્ટ કરતા નવો રોડ બનાવવાની લોકોની માંગ ઉઠી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ ગામ પાસે ઘુડખર અભ્યારણ આવેલુ છે જેની આજુબાજુનો વિસ્તાર ઇકોસેન્સેટીવમાં ગણાતો હોવાથી કોઇ ઉધ્યોગને નજીકમાં મંજૂરી મળતી નથી.પરંતુ અભ્યારણને અડીને જ 1200 એકર જમીનમાં સોલાર પ્લાન્ટની મંજૂરી અપાતા ગ્રામજનોએ વિરોધ પણ કર્યો હતો.ત્યાર બાદ ગેરકાયદેસર ખનીજ ભરીને નીકળતા ઓવરલોડ વાહનો ના કારણે પડતી હાલાકીની પણ લોકોએ રજૂઆત કરી હતી. આ કંપનીના બાંધકામના કામ માટે ઓવરલોડ વાહનોના કારણે આજુબાજુના ત્રણ ગામના રસ્તા પણ તોડી નાખ્યા છે. આ ફરીયાદ પણ જિલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ અને અસ્વીન પટેલે કરી હતી. એવામાં હાલ જેસડા વિરેન્દ્રગઢ, માલવણ કૃષ્ણનગર અને જેસડા કૃષ્ણનગર સહિતના ત્રણ ગામના રસ્તાને એન.એ.સી. સોલાર કંપનીના ભારવાહક વાહનોએ 2.10 કરોડ રૂપિયાનું નુકશાન કર્યાનો ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરે જિલ્લા કલેકટરને રીપોર્ટ કર્યો છે. હવે આ પોતાની મનમાની ચલાવતી કંપની સંચાલકો પાસેથી તંત્ર આ રોડ નવો બનાવડાવે એવી આજુબાજુના ગ્રામજનોની માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: