યાત્રાધામ ચોટીલામાં માં ચામુંડાના દર્શનનું શારદીય નવરાત્રીમાં ભારે મહત્વ છે. દુર દુરથી શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે. ત્યારે આજે તા. 15મીએ રાજયના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીહર્ષભાઈ સંઘવી ચોટીલા આવનાર છે. વધુમાં મળતી માહિતી મુજબ તેઓ હીરાસર સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે બપોરે 12-30 કલાકે ઉતરી ચોટીલા આવશે. જેમાં ચોટીલા તળેટીમાં તેમનું સ્વાગત કરાશે. તળેટીમાં માતાજીના દર્શન અને પુજનવિધિ બાદ તેઓ ડુંગર પર જઈ માતાજીના ચરણે શીશ ઝુકાવશે. જયાં તેઓ વિશેષ પુજા અને ધ્વજારોહણ વીધીમાં ભાગ લેશે. નાયબ મુખ્યમંત્રીની ચોટીલા મુલાકાતને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ બન્યુ છે. રેન્જ આઈજી નીર્લીપ્ત રાય, એસપી પ્રેમસુખ ડેલુ સહિતનાઓએ ચોટીલાની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસી હતી. ચોટીલા ખાતે નાયબ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને ધારાસભ્ય, ચોટીલા તાલુકા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠનના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
