હોળી - ધુળેટીની રજાઓ બાદ ફરીથી બોર્ડની પરીક્ષાના પેપર શરૂ થઈ ગયા છે. જેમાં શુક્રવારે ધો. 10માં અગત્યના એવા બેઝીક ગણિત વિષયનું પેપર હતુ. ગણિત વિષયનો સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં ડર રહેલો હોય છે. પરંતુ આ વર્ષે આ પેપર સરળ પુછાયુ હતુ. આ અંગે વડગામ હાઈસ્કૂલના ગણિત વિષયના શિક્ષક મોહનભાઈ પાવરાએ જણાવ્યુ કે, અલગ-અલગ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને ધ્યાને રાખી પેપર સેટ કરાયુ છે. એકપણ દાખલો કોર્ષ બહારનો પુછાયો ન હતો. સ્કોલર સ્ટુડન્ટ 80માંથી 80 ગુણ લાવી શકે છે. જયારે 70થી 80 વચ્ચે તો અનેક વિદ્યાર્થીઓના ગુણ આવે તેમ છે. જયારે સામાન્ય વિદ્યાર્થીઓ પણ 40-45 માર્કસ સાથે પાસ થઈ જાય તેમ છે. પેપરમાં પ્રમેય અને સંભાવનાઓ સાવ સરળ હતી. જયારે સમયસર પેપર પણ પુરૂ થઈ ગયુ હતુ. કોઈને લખવામાં સમય ખુટયો નથી. બીજી તરફ ધો. 10ના બેઝીક ગણિત ઉપરાંત ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં દ્વીતીય ભાષા અંગ્રેજી, ધો. 12 સામાન્ય પ્રવાહમાં સમાજ શાસ્ત્ર વિષયના પેપરો હતો. આ ત્રણેય પેપરમાં કુલ 507 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા. બોર્ડની પરીક્ષામાં આજે તા. 7મીને શનિવારે ધો. 10ના છાત્રોને પેપર નથી. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં દ્વીતીય ભાષા ગુજરાતી અને અંગ્રેજી તથા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ભાષા અંગ્રેજીના પેપર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










