સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના કમીશ્નર જે.કે.જાદવની સુચનાથી મહાનગરપાલીકા વિસ્તારમાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે. શહેરના વિકાસ, રોડ અને જાહેર સુવિધા વધારવા માટે ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગત સપ્તાહે કલેકટર કચેરીથી ડી માર્ટ ચોકડી સુધીના રસ્તા પર રસ્તાની બાજુમાં ફુટપાથ પર ખડકાયેલા 45 જેટલા લારી-ગલ્લા અને 15 કાચા ઝુંપડાઓ હટાવાયા હતા. ત્યારે તા. 03 જુલાઈને શુક્રવારે સવારે ફરીથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ હતી. જેમાં ડી માર્ટ ચોકડીથી લઈ વઢવાણ શિયાણીપોળ સુધીમાં 28 પતરાના શેડ, 12 કેબીન હટાવાયા હતા. જયારે 10 પાકા ઓટા તોડી પડાયા હતા. દબાણ હટાવ કાર્યવાહી દરમીયાન દબાણકર્તાઓ પાસેથી રૂપીયા 4200નો દંડ પણ વસુલ કરાયો હતો. જયારે મનપાએ શહેરના નાગરીકોને જાહેર જગ્યાઓ, ફુટપાથ કે રસ્તાઓ પર કોઈ પણ જાતનું દબાણ ન કરવા અપીલ કરી છે. દબાણ હટાવાયેલ સ્થળે જો ફરી દબાણ કરવામાં આવશે તો દબાણ કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ મહાનગરપાલીકાએ આપી છે.
