સુરેન્દ્રનગરના હાલના નવા જંકશન પહેલા શહેરમાં જુનુ જંકશન ધમધમતુ હતુ. આ જુના જંકશન બહાર ઓટલા પર સવારે અને સાંજે બેસી નીવૃત કર્મચારીઓ પોતાના સુખ દુઃખની વાતો કરતા હતા.
ત્યારે વર્ષ 1993-94માં સીટીઆઈ વી.એ.પરમારને નીવૃત કર્મચારીઓનું એક મંડળ સ્થાપવાનો વીચાર આવ્યો હતો. અને નજીવી ફી લઈને સભ્યોની નોંધણી કરીને તા. 13-4-1994ના રોજ નીવૃત રેલવે કર્મચારી મંડળની સ્થાપના કરાઈ હતી. નીવૃત રેલવે કર્મચારી મંડળને હાલ 3ર વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. 32 વર્ષ પહેલા 21 સભ્યોથી શરૂ થયેલા આ મંડળમાં હાલમાં 2પ00થી વધુ નીવૃત રેલ કર્મીઓ સભ્ય બનતા મંડળ વટવૃક્ષ સમાન બન્યુ છે. ત્યારે આગામી તા. 17 ડીસેમ્બરને બુધવારે મંડળના પ્રમુખ વાય.બી. રાવલ, મહામંત્રી શિવકુમાર ગુપ્તા, પ્રતાપભાઈ પરમાર, મહેશભાઈ લાંઘણોજા, રવજીભાઈ ડાભી અને વસ્તુભાઈ ખાચર દ્વારા 32મા વાર્ષીક અધીવેશન અને પેન્શનર દિવસની ઉજવણીનું આયોજન કરાયુ છે. સુરેન્દ્રનગરની લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 70 વર્ષ પુરા કરેલ અને 90 વર્ષ પુરા કરેલ નીવૃત રેલ કર્મીઓ અને મંડળના સભ્યોનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવશે. જયારે નીવૃત રેલ કર્મીઓના સળગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે.
