વઢવાણ તાલુકાના માળોદ રોડ પર મહાનગરપાલીકાની ડમ્પીંગ સાઈટ આવેલી છે. પરંતુ આ ડમ્પીંગ સાઈટમાં કચરો નાંખવાના બદલે માળોદ રોડની આસપાસ કચરો નાંખી તેને સળગાવવામાં આવતો હોવાથી વઢવાણ પોલીસ મથકે અરજી કરી કાનુની રાહે પગલા લેવા માંગણી કરાઈ છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને નગરપાલીકાઓ અગાઉ અલગ-અલગ હતી. ત્યારે સુરેન્દ્રનગર પાલીકાની ડમ્પીંગ સાઈટ ખમીયાણા રોડે અને વઢવાણ પાલીકાની ડમ્પીંગ સાઈટ માળોદ રોડ પર હતી. હાલ મહાનગરપાલીકા બનતા આ બન્ને ડમ્પીંગ સાઈટ પર મનપા દ્વારા કચરો નંખાય છે. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાંથી નીકળતો કચરો માળોદ રોડ પર આવેલ ડમ્પીંગ સાઈટમાં ઠાલવવાના બદલે તેની બહાર રોડની આજુબાજુ ખાલી કરી દેવાય છે. સામાજીક કાર્યકર કમલેશભાઈ કોટેચા સહિતની ટીમે ડમ્પીંગ સાઈટ પર જઈ આ સત્ય ઉજાગર કર્યુ હતુ. જેમાં કચરો લઈને આવતા ટ્રેકટર ચાલકોને પુછતા મનપાના કોન્ટ્રાકટરોના કહેવાથી આ કચરો અહીં નંખાતો હોવાનું અને બાદમાં સળગાવાતો હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે કમલેશભાઈ દ્વારા વઢવાણ પોલીસ મથકે અરજી આપીને સુપ્રીમ કોર્ટની જાહેરમાં કચરો સળગાવવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા મનપાના અધીકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો સામે ફોજદારી દાખલ કરવા માંગણી કરવામાં આવી છે.










