થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમમાં પરિણીતા સાથે મૈત્રી કરાર કરવા બાબતે ગત નવેમ્બર-2024માં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં દંપતી અને પુત્રની હત્યા કરાઈ હતી. આ કેસનો આરોપી વચગાળાના જામીન પર મુકત થઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે.
થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમમાં રહેતા ભાવેશ ઘુઘાભાઈ બજાણીયાને વરમાધાર ગામની સંગીતા સાથે પ્રેમ થઈ જતા બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા. સંગીતાના લગ્ન મનડાસરના દિનેશ નાનજીભાઈ સાપરા સાથે થયા હતા. પરંતુ બન્નેને મનમેળ આવતો ન હતો. સંગીતાએ ભાવેશ સાથે મૈત્રી કરાર કરતા પતિ દિનેશ સાપરા અને સંગીતાના ભાઈ દિનેશ સુખાભાઈ સાબળીયાને આ વાત ખટકતી હતી. ત્યારે તા. 6-11-24ના રોજ મોડી રાત્રે દિનેશ સુખાભાઈ સાબળીયા, દિનેશ નાનજીભાઈ સાપરા અને જેસા નરશીભાઈ સાપરા સારસાણા આવ્યા હતા. હાથમાં છરી, લાકડાના ધોકા સહિતના હથીયારો સાથે ભાવેશ બજાણીયા, તેના પિતા ઘુઘાભાઈ બજાણીયા પર તેઓ તુટી પડયા હતા. આ સમયે વચ્ચે પડેલ સંગીતા અને મંજુબેનને પણ તેઓએ માર માર્યો હતો. બનાવમાં ભાવેશ અને ઘુઘાભાઈનું મોત થયુ હતુ. જયારે પડખાના ભાગે છરી વાગતા રાજકોટ સારવાર લઈ રહેલા મંજુબેને પણ બાદમાં દમ તોડયો હતો.
ટ્રીપલ મર્ડરના આ બનાવમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ નાનજીભાઈ સાપરાને કોર્ટે તા. 15-12-25ના રોજ 8 દિવસના વચગાળાના જામીન પર મુકત કર્યો હતો. જેમાં તેને તા. 23-12-25ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતુ. પરંતુ તે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. આ અંગેની વિગતો જેલ સત્તાવાળા તરફથી પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. જેમાં પેરોલ ફર્લો સ્કવોડના વજાભાઈ અને દેવરાજભાઈએ બાતમીને આધારે ફરાર દિનેશ સાપરાને મનડાસરથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: