મુળી પોલીસ મથકે રૂપીયા 3.49 કરોડની છેતરપિંડીની ફરિયાદ ગત 25-9-26ના રોજ નોંધાઈ હતી. જેમાં પોલીસે 4 શખ્સોને ઝબ્બે કર્યા છે. આ બનાવમાં રૂપીયા 3.20 કરોડના 47 વાહનો પણ પોલીસે કબજે કર્યા છે. પોલીસની તપાસમાં આરોપીઓ વાહનની ત્રીજા ભાગ જેટલી કિંમતમાં વાહન ગીરવે મુકી દેતા હોવાનું સામે આવ્યુ છે.

મુળી પોલીસ મથકે સોલાર કંપનીમાં વાહનો ભાડે મુકવાનું કહી રૂપીયા 3.49 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે મુળીના દેવપરાના અર્જુન ઉર્ફે અરજણભાઈ કરમણભાઈ જોગરાણા, થાનના વીજળીયાનો ચતુર કાળાભાઈ સારદીયા, થાનના મનડાસરનો કીરણ ડાભી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરનો અજીમ ગનીભાઈને ઝડપી લીધા છે. આ શખ્સો અગાઉ ભાગીદારીમાં ધંધો કરતા હતા. જેમાં સોલાર કંપનીમાં વાહનો ભાડે મુકવા માટે ટ્રેકટરમાં રૂપીયા રપ હજાર, જેસીબીમાં રૂપીયા 90 હજારથી 1.20 લાખ અને કારમાં 60 હજાર માસીક ભાડુ આપવાની 6-7 માસ પહેલા જાહેરાતો કરી હતી. જેને લઈને સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લાના 51 વાહન માલીકોએ પોતાના રૂપીયા 3.49 કરોડના વાહનો ભાડે મુકયા હતા. પરંતુ બાદમાં ભાડુ નહી મળતા તપાસ કરતા આ વાહનો અન્ય સ્થળે ગીરવે મુકાયા હોવાનું સામે આવતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. બીજી તરફ 51માંથી 47 વાહનો કિંમત રૂપીયા 3.20 કરોડના પણ કબજે કરાયા છે. પોલીસની પ્રાથમીક પુછપરછમાં આ શખ્સો ભાડે લીધેલ વાહન તેની મુળ કિંમત કરતા સરેરાશ ત્રીજા ભાગની કિંમત જેટલી રકમમાં વાહન ગીરવે મુકી દેતા હતા. જયારે ઝડપાયેલા આરોપી અજીમ ધુણીયા સામે ચોટીલા અને રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ મથકે હત્યા, મારામારી, આર્મ્સ એકટ, પ્રોહીબીશન, ધમકી આપવી જેવા 7 ગુના અગાઉ નોંધાઈ ચુકયાનું પણ પોલીસની તપાસમાં ખુલ્યુ છે. મુળી પોલીસે બાકીના 4 વાહનો પણ કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી છે.