ભુજથી અમદાવાદ જતી નમો ભારત ટ્રેન તા. 8 નવેમ્બરે ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પહોંચી હતી. આ સમયે ધ્રાંગધ્રા રેલવે સ્ટેશને સુરેન્દ્રનગરના પરિવાર સહિત 15 થી વધુ મુસાફરોને ઉતરવાનુ હતુ. પરંતુ ટ્રેનના કોચનો દરવાજો જ ન ખુલતા આ મુસાફરોને ફરજિયાત વિરમગામ રેલવે સ્ટેશન સુધીનો ફોગટ ફેરો ફરવો પડયો હતો. જેને લઈને મુસાફરોમાં રોષ ફેલાયો હતો. અને આ અંગે રેલવે વિભાગમાં કમ્પ્લેઈન કરાઈ છે. પૃીમ રેલવેના અમદાવાદ ડીવીઝન દ્વારા અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત ટ્રેન ચલાવાય છે. આ ટ્રેન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનેથી પસાર થાય છે. ત્યારે સુરેન્દ્રનગરના એક પરિવારને નમો ભારત ટ્રેનમાં મુસાફરીનો કડવો અનુભવ થયો છે. આ અંગે મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર શિવ ઓર્ચીડ ફલેટસમાં રહેતા રાજીવ ગૌર તેમના પરિવારના 4 સભ્યો સાથે તા. 8 નવેમ્બરે ગાંધીધામથી ધ્રાંગધ્રા નમો ભારત ટ્રેનમાં આવતા હતા. જેમા ટ્રેન ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પહોંચતા કોચ સી-6 થી સી-8 કોચના દરવાજા જ ઓપન થયા ન હતા. આથી રાજીવ ગૌર સહિત અન્ય 15 મુસાફરોએ ટ્રેનના ગાર્ડ અને લોકો પાયલોટનો સંપર્ક કર્યો હતો. જેમાં ઈમરજન્સી બટનનો ઉપયોગ કરવા છતાં દરવાજા ન ખુલતા અંતે ટ્રેને અમદાવાદ તરફ ચાલતી પકડી હતી. અને આ મુસાફરોને આગામી સ્ટેશન વિરમગામ ઉતરવાનો વારો આવ્યો હતો. વિરમગામ રેલવે સ્ટેશને પણ આ કોચના દરવાજા તો ખુલ્યા જ ન હતા. અને મુસાફરોને અન્ય કોચના દરવાજાથી સ્ટેશન પર ઉતરવુ પડયુ હતુ. રાજય સરકાર દ્વારા ચલાવાતી એસ.ટી.માં પણ વૈકલ્પીક વ્યવસ્થા હોય છે. ત્યારે ભારત સરકારની પ્રીમીયર ટ્રેન એવી નમો ભારતમાં મુસાફરો માટે વિરમગામથી પોતાના ગંતવ્યસ્થાન જવા માટે કોઈ વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. આ અંગે તા. 16-11ના રોજ રાત્રે રાજીવ ગૌરે વિરમગામ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને આ બેદરકારી બદલ જવાબદાર રેલ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
