સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવીઝનની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસીધ્ધ થઈ છે. સમગ્ર રાજય સાથે તા. 17-2-26મીને મંગળવારના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થતા કલેકટર કચેરીમાં સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આખરી મતદાર યાદીના આંકડા આપતા જિલ્લા મુખ્ય ચૂંટણી અધીકારી અને કલેકટરે જણાવ્યુ કે, સમગ્ર પ્રક્રીયા દરમિયાન જિલ્લામાં 99 મતદારોનો ઘટાડો થયો છે.


ગુજરાત સહિત દેશના 12 રાજયોમાં દેશના ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ ઈન્સેટીવ રીવીઝનની કામગીરી ગત નવેમ્બર માસમાં ચાલુ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની પ વિધાનસભા બેઠકો પર આ કામગીરીમાં જિલ્લા ચૂંટણી વિભાગના સ્ટાફ ઉપરાંત 1500થી વધુ બુથ લેવલ ઓફીસર રોકાયા હતા. એન્યુમેરેશન ફોર્મના કલેકશન અને ડીજીટલાઈઝેશનની કામગીરી બાદ ફોર્મ નં. 7ની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવાની રાવ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી, રજુઆત કરી તાજેતરમાં હાઈવે ચક્કાજામ પણ કરાયા હતા. ત્યારે તા. 17-2ના રોજ સમગ્ર રાજયની સાથે સાથે જિલ્લામાં પણ SIRની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસીધ્ધ થઈ છે. આ અંગે માહીતી આપવા માટે મંગળવારે સાંજે કલેકટર કચેરીમાં પહેલા રાજકીય પક્ષોના પ્રતીનીધીઓ સાથે બેઠક યોજાઈ હતી. બાદમાં પત્રકારોને માહીતી આપતા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધીકારી કે.એસ.યાજ્ઞીક અને નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી સુદીપકુમાર શાહે જણાવ્યુ કે, એસઆઈઆરની કામગીરી પહેલા તા. 19-12-25ના રોજ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 13,44,959 મતદારો હતા. જયારે આ કામગીરી પુરી થયા બાદ હવે 13,44,860 મતદારો નોંધાયા છે. આમ, સમગ્ર કાર્યવાહીમાં 99 મતદારોનો ઘટાડો થયો છે. મતદાર યાદી સુધારણાની કામગીરીમાં 21,316 નવા મતદારોનો ઉમેરો થયો છે. જયારે 21,415 મતદારોના નામ કમી થયા છે. કલેકટરે જણાવ્યુ કે, જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી સંપુર્ણ પારદર્શી કરાઈ છે. એકપણ મતદાર પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાથી વંચીત ન રહે તે અંગે ખ્યાલ રખાયો છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર આ મતદારયાદી ઓનલાઈન મુકવામાં આવી છે. જેમાં મતદારો પોતાના નામની ખરાઈ કરી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: