સુરેન્દ્રનગરની જિલ્લા અદાલતની ઈમારત જર્જરિત થઈ હોવાથી તેને શહેરથી દુર હાઈવે પર ખરાબાના સ્થળે નવી બનાવવાની હિલચાલ શરૂ થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ અને સુરેન્દ્રનગરના યુનીટ જજને અગાઉ લેખીત રજુઆત કરી બીલ્ડીંગનો સ્થળ ફેરફાર નન કરવા માંગ કરી હતી. ત્યારે તાજેતરમાં હાઈકોર્ટના ર જજ, ગુજરાત સરકારના લીગલ સેક્રેટરી, જિલ્લાના યુનીટ જજ એમ.આર.મેંગડે, સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ જજ કે.આર.ઉપાધ્યાય, જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધીકારી કે.એસ.યાજ્ઞીક, પ્રાંત અધીકારી એમ.જે.ભરવાડ, સુરેન્દ્રનગર વકીલ મંડળના પ્રમુખ જી.ડી.ઝાલા, માર્ગ મકાન વિભાગના અધીકારીઓની હાજરીમાં વીડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં હાલ જે સ્થળે જિલ્લા અદાલત છે તે જ સ્થળે નવી ઈમારત બનાવવા કાર્યવાહી હાથ ધરવા નીર્ણય કરાયો છે. વીડીયો કોન્ફરન્સમાં થયેલ ચર્ચા મુજબ હાલની કોર્ટ બીલ્ડીંગ 18 હજાર ચો.મી. જગ્યામાં છે. જયારે કોર્ટ પાછળની 10 હજાર ચો.મી. જગ્યામાં બીન ઉપયોગી સરકારી વસ્તુઓ મુકાય છે. ત્યારે કુલ 28 હજાર ચો.મી. જમીનનો ઉપયોગ નવી ઈમારત બનાવવામાં કરી શકાય છે. આ નિર્ણયથી સુરેન્દ્રનગર વકીલ મંડળના 500થી વધુ સભ્યો અને કોર્ટના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
