સુરેન્દ્રનગરના મુળચંદ રોડ પર આવેલ રામદેવનગરમાં રહેતા દંપતી વચ્ચે જન્માષ્ટમી પર્વની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. પત્નીના અનૈતીક સબંધોની શંકાએ પતિએ માર મારી પત્નીની હત્યા કરી હતી. આ બનાવમાં મૃતક કે આરોપી કોઈના પરિજનોમાંથી કોઈ ફરિયાદી ન બનતા અંતે પોલીસે ખુદ ફરિયાદી બનીને તા. પમીએ સાંજે હત્યારા પતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયાએ માઝા મુકી છે. અનેક યુવક-યુવતીઓ ઈન્સ્ટાગ્રામમાં થયેલ ક્ષણીક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે અને પોતાનું તથા પરિવારજનું જીવન બરબાદ કરે છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ થયેલ પ્રેમમાં એક પરિણીતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહીતી મુજબ વઢવાણના દોદરકોઠા વિસ્તારમાં રહેતા રાહુલ નાનજીભાઈ પારઘીને ઈન્સ્ટાગ્રામ થકી અમદાવાદની દરકાસબેન ઉર્ફે ગુલ્લુ હેમરાજભાઈ ઉર્ફે હેનરી ગીરધરભાઈ ખ્રીસ્તી સાથે પ વર્ષ પહેલા પ્રણયના અંકુરો ફુટયા હતા. બન્ને પરિણીત હોવા છતાં એક બીજા સાથે ફોનમાં વાતો કરતા હતા અને સાથે રહેવાના કોલ આપ્યા હતા. રાહુલ પરીણીત હતો. પરંતુ તેને કોઈ સંતાન ન હતા. જયારે દરકાસબેન એક સંતાનની માતા હતા. બન્નેએ પરિવારજનોનો કોઈ પણ વિચાર કર્યા વગર પ્રેમમાં અંધ બનીને પાંચ વર્ષ પહેલા સંસાર માંડયો હતો. પરંતુ બન્નેના પરિવારને આ વાત મંજુર ન હતી. તેમ છતાં બન્ને મુળચંદ રોડ પર આવેલ રામદેવનગરમાં સ્થાયી થયા હતા. અને કોઈપણ જાતના લગ્ન કે લીવ ઈન કરાર કર્યા વગર બન્ને સાથે રહેતા હતા. હાલ તેઓને 2 વર્ષનો પુત્ર દિવ્યાંશ અને 1 માસનો પુત્ર રીયાંશ છે. છેલ્લા થોડા સમયથી દરકાસબેનને કોઈ સાથે ઐનૈતીક સબંધો હોવાની રાહુલને શંકા હતી. આ બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જન્માષ્ટમી પર્વે પણ બન્ને વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને રાહુલે બોથડ પદાર્થ વડે પત્નીના માથાના ભાગે ઈજા કરી, કપાળ, ગળે, બન્ને હાથે અને શરીરના સંવેદનશીલ પાર્ટસ પર ઈજા પહોંચાડી દરકાસબેનનું મોત નીપજાવ્યુ હતુ. આ અંગે સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ બી.એલ.ઝાલાએ હત્યારા પતિ રાહુલ પારઘી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ પીઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.