સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન શુક્રવારે મનપાના સભાખંડમાં કરાયુ હતુ.

જેમાં પ્રમુખ, નાયબ ડીડીઓ સહિત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતની ટર્મ પુરી થવાને હવે માત્ર 1.5 માસ જ બાકી છે ત્યારે ગ્રાંટનો પુરતો ઉપયોગ કરવાની સદસ્યોએ રજુઆત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની મુદત આગામી માસે પુરી થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સહિત 10 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા શુક્રવારે મહાનગરપાલીકાના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધીકારી કિર્તનબેન રાઠોડ, જિલ્લા પંચાયતની વીવીધ સમીતીના ચેરમેન, સદસ્યો, કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. ખાસ સામાન્ય સભાની શરૂઆત ગત તા. 3-10-રપના રોજ મળેલ ખાસ સામાન્ય સભાની અમલવારી સાથે કરાઈ હતી. જયારે તા. 27-11ના રોજની સામાજીક ન્યાય સમીતીની બેઠક, તા. 20-11ના રોજની કારોબારી સમીતીની બેઠક, તા. 24 જુનના રોજની મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તીની સમીતીની બેઠક અને 3-11ના રોજની ઉત્પાદન, સહકાર અને સીંચાઈ સમીતીની બેઠકની કાર્યવાહીને અવલોકનમાં લેવાઈ હતી. વર્તમાન જિલ્લા પંચાયતની ટર્મ પુરી થવાને હવે માત્ર 1.5 માસનો સમય જ બાકી હોઈ સદસ્યોએ 15મા નાણાપંચની ગ્રાંટ અને તેનું વ્યાજ તથા બેઠક દીઠ મળતી પ લાખની ગ્રાંટના ઉપયોગ કરી લેવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં બોર રીચાર્જીંગ માટે અપાયેલ સ્પેશ્યલ ગ્રાંટ આ કામ માટે અથવા અન્ય કામ માટે વાપરવા પણ માંગ કરી હતી. સભ્યોની રજુઆત સાંભળી પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલે ગ્રાંટના ઉપયોગ અંગેના સુચનો આપવા જણાવ્યુ હતુ. અને તેની ત્વરીત અમલવારીની ખાત્રી આપી હતી. આ ઉપરાંત વીવીધ વિકાસના કામોને વહીવટી મંજુરી અને વહીવટી મંજુરી મળેલ કામોને બહાલી પણ અપાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: