સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોના સમયે આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પર્વે પણ સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રામાં આગના બનાવો બન્યા હતા. જેમાં ફાયર ફાઈટરોએ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. સદ્દભાગ્યે ત્રણેય બનાવોમાં કોઈ જાનહાની થઈ ન હતી.

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ ગાયત્રી સોસાયટીમાં મદનલાલ મકવાણા રહે છે. તા. 15 જાન્યુઆરીના રોજ સાંજના સમયે તેમના ઘરે ફીટ કરેલા ગેસ ગીઝરે હીટ પકડતા અચાનક આગ લાગી હતી. ગેસ ગીઝર પાસે જ ગેસની બોટલ પણ પડી હોવાથી તુરંત મનપાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેમાં દેવાંગ દુધરેજીયા, જય રાવલ સહિતનાઓ દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્દભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. જયારે લીંબડીના ધનજીભાઈ ચોક પાસે આવેલ બંધ રહેણાક મકાનમાં તા. 14ના રોજ મોડી સાંજે અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવની આસપાસના રહીશોએ લીંબડી પાલીકાને જાણ કરતા પાલીકાની ટીમે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઝાલાવાડમાં છેલ્લા થોડા સમયથી ઉત્તરાયણ પર્વે સાંજે લોકો ફટાકડા પણ ફોડે છે. ત્યારે આ ફટાકડાને લીધે આગ લાગી હોવાનું પ્રાથમીક અનુમાન લગાવાઈ રહ્યુ છે. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી. બીજી તરફ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલ ભવાની જીનમાં ઉત્તરાયણ પર્વે આગનો બનાવ બન્યો હતો. જેમાં કપાસના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા જીનના મજુરો અને ઓફીસ સ્ટાફે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. અંતે ધ્રાંગધ્રા પાલીકાને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ 3 ફાઈટરો સાથે જીનમાં દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને લીધે કપાસના ઢગ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: